ચેકિંગ ટીમ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરતાં ફાયરિંગ; બુટલેગર ફરાર, એરપોર્ટ પોલીસમાં હત્યાના પ્રયાસની ફરિયાદની કાર્યવાહી
અમદાવાદમાં દારૂના કટીંગની બાતમીના આધારે કાર્યવાહી કરવા પહોંચેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર બુટલેગરે કાર ચઢાવવાનો પ્રયાસ કરતાં પોલીસે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, ફાયરિંગ બાદ પણ બુટલેગર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, SMCના PI મિતેશ ત્રિવેદીની ટીમને અસારવામાં ખંડુભાઈ દેસાઈ હોલ પાસે દારૂનું કટીંગ થતું હોવાની બાતમી મળી હતી. આથી ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસને જોઈને બુટલેગર કાર લઈને ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ ટીમે તેનો પીછો શરૂ કર્યો હતો. બુટલેગર શાહીબાગના ડફનાળા થઈ એરપોર્ટ તરફ ભાગ્યો હતો.
સરસ્વતી પાર્ક પાસે કાર રોકતાં ફાયરિંગ
બુટલેગર એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે સરસ્વતી પાર્ક સોસાયટી પાસે SMCની ટીમે તેની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બુટલેગરે ટીમના કર્મચારીઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરતાં પરિસ્થિતિ તંગ બની હતી. ટીમે બચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જોકે, બુટલેગર પોલીસને હાથ લાગ્યો નહોતો અને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે SMCની ટીમ દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ સહિતની ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.










