ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ સામે પોલીસની કડક કાર્યવાહી; 9 કાયમી વેચાણ લાયસન્સ રદ, 7 મોકૂફ અને 17 વેપારીઓને નોટિસ
અમદાવાદ: દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં ફટાકડાના ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ સામે પોલીસ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં ફટાકડા ઉત્પાદન માટે અગાઉ આપવામાં આવેલા તમામ 6 પરવાના રદ અથવા મોકૂફ કરી દેવામાં આવ્યા છે. પરિણામે, હાલ શહેરમાં એકપણ કાયમી ફટાકડા ઉત્પાદન એકમને મંજૂરી રહી નથી.
ફટાકડાના કાયમી વેચાણ પરવાનાઓની તપાસ દરમિયાન પણ નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં કાયમી ફટાકડા વેચાણ માટેના કુલ 145 લાયસન્સમાંથી 9 રદ અને 7 મોકૂફ કરાયા છે, જ્યારે બાંધકામના નિયમોનું પાલન ન કરનારા 17 વેપારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
ઉત્પાદનના તમામ 6 પરવાના રદ અથવા મોકૂફ
અમદાવાદમાં અગાઉ ફટાકડા ઉત્પાદન માટે કુલ 6 પરવાના આપવામાં આવ્યા હતા. આ તમામ એકમો રામોલ વિસ્તારમાં આવેલા હતા. તાજેતરમાં બનેલી ઘટનાને પગલે તંત્ર દ્વારા કાર્યવાહી કરતાં 4 એકમોના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 એકમોના પરવાના મોકૂફ રાખવામાં આવ્યા છે. આથી શહેરમાં હાલમાં ફટાકડા બનાવતા કોઈપણ કાયમી એકમ પાસે માન્ય ઉત્પાદન પરવાનો નથી.
કાયમી વેચાણના 9 લાયસન્સ રદ, 7 મોકૂફ
શહેરમાં ફટાકડાના કાયમી વેચાણ માટે કુલ 145 પરવાના હતા. તેમાંથી 105 લાયસન્સનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા 9 વેપારીઓના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે અને 7 લાયસન્સ મોકૂફ રાખવામાં આવ્યા છે.
બાકીના 24 પરવાનાઓ પૈકી 7ની પ્રક્રિયા ફાયર બ્રિગેડ સહિતની સંબંધિત એજન્સીઓના અભિપ્રાયના આધારે ચાલુ છે. જ્યારે નિયમો મુજબનું બાંધકામ ન હોવાનું સામે આવતાં 17 દુકાનદારોને લાયસન્સ રદ કરવા અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
હંગામી સ્ટોલ માટે 96 અરજીઓ, 14ને મંજૂરી
દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના હંગામી વેચાણ માટે પણ પોલીસ દ્વારા મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 30 દિવસની મુદત માટે આપવામાં આવતા હંગામી લાયસન્સ મેળવવા અત્યાર સુધીમાં કુલ 96 અરજીઓ મળી છે. સંબંધિત પોલીસ મથકો તરફથી હકારાત્મક અભિપ્રાય મળતાં 14 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.
બાકીની અરજીઓ ઉપરાંત મંગળવારે મળેલી નવી 3 અરજીઓ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનનો અહેવાલ મળ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. નિયમો અને સુરક્ષાની શરતો પૂર્ણ કરનારા અરજદારોને જ મંજૂરી આપવામાં આવશે.
બે દુકાનો વચ્ચે 15 મીટરનું અંતર ફરજિયાત
ફટાકડાના વેચાણ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને બે દુકાનો વચ્ચે ઓછામાં ઓછું 15 મીટરનું અંતર જાળવવું ફરજિયાત છે. આ ઉપરાંત, તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને પોતાના વિસ્તારમાં લાયસન્સ વિના ફટાકડાનું ગેરકાયદે વેચાણ ન થાય તે માટે સતત દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી છે.
પોલીસ દ્વારા દુકાનોનું નિયમિત તેમજ આકસ્મિક ચેકિંગ કરવા કડક આદેશો આપવામાં આવ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ અટકાવવા તથા નાગરિકોની સુરક્ષા જાળવવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.










