કાલાવડ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી; 155 લિટર દેશી દારૂ અને રિક્ષા સહિત રૂ.1.31 લાખનો મુદ્દામાલ જપ્ત
જામનગર: જામનગર જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે કાર્યવાહી કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે CNG રિક્ષામાં વિશેષ ચોરખાનાં બનાવી દેશી દારૂની હેરાફેરી કરતા રાજકોટના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રિક્ષામાંથી 155 લિટર દેશી દારૂ, જેની કિંમત રૂ.31 હજાર થાય છે, તેમજ રૂ.1 લાખની રિક્ષા સહિત કુલ રૂ.1.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
નીકાવા ગામની પોલીસ ચોકી સામે વાહન અટકાવી તપાસ
કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે નીકાવા ગામની પોલીસ ચોકી સામે રસ્તા પર વોચ ગોઠવવામાં આવી હતી.
આ દરમિયાન રાજકોટ તરફથી આવતી લીલા-પીળા રંગની CNG રિક્ષા નંબર GJ-03-BX-4034ને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રિક્ષાની પાછળની સીટના પગ રાખવાના ભાગે તેમજ ડેકીમાં ખાસ રીતે ચોરખાનાં બનાવવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું હતું. આ ચોરખાનાંમાં દેશી દારૂ સંતાડીને લઈ જવામાં આવતો હતો.
155 લિટર દેશી દારૂ સહિત રૂ.1.31 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે રિક્ષામાંથી કુલ 155 લિટર દેશી દારૂ કબજે કર્યો હતો, જેની કિંમત રૂ.31,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત રૂ.1 લાખની કિંમતની રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ.1,31,000નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના બે શખ્સોની અટકાયત
આ કેસમાં પોલીસે રાજકોટના ચુનારાવાડ, શિવાજીનગર વિસ્તારમાં રહેતા 21 વર્ષીય રિક્ષાચાલક રોહિતભાઈ નરશીભાઈ માત્રાણિયા અને મવડી પ્લોટના ઈશ્વરનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષીય હિરેનભાઈ કમલેશભાઈ ગુપ્તાની અટકાયત કરી છે. બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને દેશી દારૂની હેરાફેરી અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.










