સુરત-વાપી વચ્ચે પ્રથમ હાઈસ્પીડ સેવા શરૂ થશે; જમીન સંપાદન, કોરોના અને બાંધકામના પડકારોથી ખર્ચ થયો બમણો
નવી દિલ્હી: દેશની પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન હવે આગામી વર્ષે નહીં પરંતુ ઓગસ્ટ 2027માં સુરત-વાપી વચ્ચેના પ્રથમ તબક્કા સાથે શરૂ થવાની શક્યતા છે. લાંબા વિલંબના કારણે પ્રોજેક્ટનો ખર્ચ પણ વધીને હવે અંદાજે રૂ. 2 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.
શરૂઆતમાં આ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1.08 લાખ કરોડ હતો, પરંતુ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની ધીમી ગતિ, કોરોના મહામારી, બાંધકામમાં આવેલા વિલંબ અને ટેક્નિકલ પડકારોના કારણે ખર્ચ લગભગ બમણો થયો છે.
અત્યાર સુધીમાં પ્રોજેક્ટ પાછળ રૂ. 91 હજાર કરોડથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે અને કુલ કામગીરીમાંથી લગભગ 61 ટકા કામ પૂર્ણ થયું છે.
પ્રોજેક્ટ દરમિયાન સમુદ્રની નીચે સુરંગ, નદીઓ પર વિશાળ પુલોનું નિર્માણ તેમજ 1,651થી વધુ વીજ લાઈનો, પાઇપલાઇન અને ટેલિકોમ કેબલનું સ્થળાંતર જેવા જટિલ કામો પણ પડકારરૂપ રહ્યા હતા.
પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈ-અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે અને ભારત હાઈસ્પીડ રેલ યુગમાં સત્તાવાર રીતે પ્રવેશ કરશે.










