10 લાખથી વધુ વેપારીઓને હવે અમદાવાદના ધક્કા નહીં; 1,100થી વધુ પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલની આશા
રાજકોટ: લાંબા સમયથી ચાલી રહેલી માંગ બાદ રાજકોટમાં GST અપીલ ટ્રિબ્યુનલનો સત્તાવાર પ્રારંભ થયો છે. 150 ફૂટ રિંગ રોડ સ્થિત આર.કે. આઇકોનિક બિલ્ડિંગમાં શરૂ થયેલી આ ટ્રિબ્યુનલથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના અંદાજે 10 લાખ વેપારીઓ, ઉદ્યોગકારો અને GST પ્રેક્ટિશનરોને મોટી રાહત મળશે.
ટ્રિબ્યુનલમાં પ્રમોદકુમાર અને કિશોરીલાલને ન્યાયિક સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી GST અપીલ માટે વેપારીઓને અમદાવાદ જવું પડતું હતું, પરંતુ હવે JC અને DC સ્તરના આદેશો સામે રાજકોટમાં જ અપીલ કરી શકાશે.
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં હાલ 1,100થી વધુ GST અપીલ કેસો પેન્ડિંગ હોવાનું માનવામાં આવે છે. ટ્રિબ્યુનલ શરૂ થતાં અટવાયેલા કેસો, રિફંડ અને અન્ય વિવાદોના ઝડપી નિકાલની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં આજથી વિવિધ શહેરોમાં GST ટ્રિબ્યુનલ કાર્યરત થઈ છે. ગુજરાતમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં પણ ટ્રિબ્યુનલ શરૂ કરવામાં આવી છે.
જોકે, ટ્રિબ્યુનલમાં અપીલ કરવા માટે ન્યૂનતમ રૂ. 5,000 કોર્ટ ફી ભરવી પડશે. સાથે જ ઓનલાઇન અરજીની વ્યવસ્થા હોવા છતાં તેની પ્રક્રિયા જટિલ હોવાનું વેપારીઓ અને ટેક્સ પ્રેક્ટિશનરોનું માનવું છે.










