મુંબઈ: ધૂત ટ્રાન્સમિશન લિમિટેડનો IPO 10 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે અને 12 ઓગસ્ટ સુધી રોકાણકારો અરજી કરી શકશે. જ્યારે 7 ઓગસ્ટે એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગ ખુલશે.
કંપનીએ પ્રતિ શેર ₹829થી ₹871નો પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 17 ઇક્વિટી શેર માટે અરજી કરી શકશે. કર્મચારીઓ માટે પ્રતિ શેર ₹80નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
આ IPOમાં ₹1,400 કરોડનો ફ્રેશ ઇશ્યૂ તેમજ હાલના શેરધારકો દ્વારા 1.91 કરોડથી વધુ ઇક્વિટી શેરનું ઓફર ફોર સેલ (OFS) સામેલ છે.
નાણાકીય વર્ષ 2026ના આંકડા મુજબ કંપનીનો P/E રેશિયો 33.98થી 35.70 વચ્ચે છે, જ્યારે સમાન ક્ષેત્રની કંપનીઓનો સરેરાશ 55.31 છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કંપનીએ 27.06 ટકા સરેરાશ રિટર્ન ઓન નેટવર્થ નોંધાવ્યો છે.
IPOના નેટ ઇશ્યૂમાંથી 50 ટકા હિસ્સો QIB માટે અનામત રાખવામાં આવ્યો છે. તેમાંના મહત્તમ 60 ટકા શેર એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવાશે, જ્યારે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ, જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ માટે પણ વિશેષ અનામત જોગવાઈ કરવામાં આવી છે.










