જાણીતી કંપનીના ટ્રેડમાર્કની નકલ કરી વેચાતી પ્રોડક્ટ્સ ઝડપાઈ; મુખ્ય આરોપીની ધરપકડ
અમદાવાદ: શહેરના બહેરામપુરા વિસ્તારમાં જાણીતી કોસ્મેટિક કંપનીના નામ અને ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ કરીને નકલી સાબુ અને ફેસવોશ બનાવવાના મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન પોલીસે રૂ.11.68 લાખથી વધુ કિંમતનો ડુપ્લીકેટ મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાની ‘KISRA’ બ્રાન્ડના સ્ટીકરનો ઉપયોગ કરીને જાણીતી કંપનીના લોગો અને પેકેજિંગની નકલ કરી બજારમાં નકલી કોસ્મેટિક્સ વેચી રહ્યો હતો, જેના કારણે ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હતી.
આ મામલે પુણે સ્થિત ‘યામી ઘર શોપ પ્રા. લિ.’ કંપનીના ટ્રેડમાર્ક વિભાગના અધિકારી જયદીપ સુભાષભાઈ ભટ્ટે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
બહેરામપુરાના ભાટી કમ્પાઉન્ડમાં આવેલા ગોડાઉન પર દરોડો પાડતા પોલીસે મોહમ્મદ જુનેદ યુનુસભાઈ પટેલ (45), રહે. દાણીલીમડાને ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી 3,894 ડુપ્લીકેટ સાબુ અને 6,490 ડુપ્લીકેટ ફેસવોશ સહિત કુલ રૂ.11.68 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી સામે ટ્રેડમાર્ક ઉલ્લંઘન અને છેતરપિંડી સંબંધિત ગુનો નોંધી નકલી કોસ્મેટિક્સના ઉત્પાદન અને સપ્લાય સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી છે.










