ખાતરની કાળાબજારી સામે સરકારનો કડક એક્શન: રાજ્યભરમાં ખાસ તપાસ અધિકારીઓની નિમણૂક

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સબસિડાઈઝ ખાતરના કાળા બજાર, સંગ્રહખોરી અને બિન-કૃષિ ઉપયોગ પર રહેશે કડક નજર; ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને સબસિડાઈઝ રાસાયણિક ખાતર પૂરતા પ્રમાણમાં અને વ્યાજબી ભાવે ઉપલબ્ધ રહે તે માટે રાજ્ય સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે રાજ્યભરમાં ખાતરના વિતરણ પર નજર રાખવા માટે વિશેષ તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની નિમણૂક કરી છે.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે સબસિડાઈઝ ખાતરનો બિન-કૃષિ ઉપયોગ, સંગ્રહખોરી, કાળાબજારી, બનાવટી ખાતરનું વેચાણ તેમજ યુરિયા સાથે અન્ય પ્રોડક્ટનું ફરજિયાત ટેગિંગ જેવી ગેરરીતિઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નિમણૂક કરાયેલા તપાસ અધિકારીઓ રાજ્યભરના ખાતર ડીલરોની સ્થળ પર જઈ તપાસ કરશે. તેઓ POS મશીનના રેકોર્ડ અને વાસ્તવિક સ્ટોકનું ક્રોસ વેરિફિકેશન કરશે તેમજ દરેક જિલ્લામાં સૌથી વધુ યુરિયાનું વેચાણ કરતા ડીલરોની વિશેષ તપાસ પણ હાથ ધરશે.

તપાસ દરમિયાન ખેડૂતોને માંગ મુજબ ખાતર મળી રહ્યું છે કે નહીં, યુરિયા સાથે અન્ય ઉત્પાદનોનું ફરજિયાત વેચાણ થાય છે કે નહીં તેમજ સબસિડાઈઝ ખાતરનો ઔદ્યોગિક ઉપયોગ તરફ ડાયવર્ઝન તો થતો નથી ને તેની પણ ચકાસણી કરવામાં આવશે.

આ ઉપરાંત યુરિયાનો ઉપયોગ કરતા વિવિધ એકમોની મુલાકાત લઈને જરૂરી સ્થળોએ નમૂનાઓ લેવામાં આવશે. સમગ્ર કામગીરી પર નજર રાખવા માટે ઝોનવાઈઝ નિરીક્ષણ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે, જ્યારે રાજ્યસ્તરે ખેતી નિયામક દ્વારા દૈનિક મોનિટરિંગ કરવામાં આવશે.

રાજ્ય સરકારનું માનવું છે કે આ કાર્યવાહીથી ખાતરની કાળાબજારી અને ગેરરીતિઓ પર અસરકારક અંકુશ આવશે તેમજ ખેડૂતોને સમયસર અને પારદર્શક રીતે ખાતર ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai