ગાંધીનગર: વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઇચ્છા ધરાવતા ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળ અમલમાં રહેલી ‘વિદેશ અભ્યાસ લોન યોજના’માં પરિવારની વાર્ષિક આવકની મહત્તમ મર્યાદા રૂ.6 લાખથી વધારીને રૂ.10 લાખ કરવામાં આવી છે.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા તથા રાજ્ય મંત્રી ડો. મનીષાબેન વકીલના નેતૃત્વ હેઠળ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવક મર્યાદામાં રૂ.4 લાખનો વધારો થતાં અગાઉ આવક મર્યાદાને કારણે યોજનાનો લાભ મેળવી ન શકતા અનેક વિદ્યાર્થીઓ હવે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય મેળવી શકશે.
વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ફી, રહેવા-જમવા સહિતના વિવિધ ખર્ચને પહોંચી વળવામાં શૈક્ષણિક લોન મહત્વપૂર્ણ સહારો બની શકે છે. અત્યાર સુધી આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવકની મહત્તમ મર્યાદા રૂ.6 લાખ હતી.
હવે આ મર્યાદા વધારીને રૂ.10 લાખ કરવામાં આવતા રૂ.10 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા પાત્ર બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ પણ યોજનાનો લાભ મેળવી શકશે.
રાજ્ય સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ મધ્યમ આવક ધરાવતા પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓને માત્ર આવક મર્યાદાના કારણે વિદેશમાં ઉચ્ચ શિક્ષણની તકથી વંચિત ન રહેવા દેવાનો છે. આવક મર્યાદામાં થયેલો આ વધારો વધુ વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસની તકોના દરવાજા ખોલી શકે છે.










