વાહનચાલકો સાવધાન : ઈ-ચલણ, PUC કે વીમો બાકી હશે તો સિગ્નલ પર જ ખુલશે પોલ
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને વધુ ટેક્નોલોજી આધારિત અને પારદર્શક બનાવવા નવી ડિજિટલ સિસ્ટમ અમલમાં મૂકવાની તૈયારી કરવામાં આવી છે. હવે વાહનચાલકનું ઈ-ચલણ, PUC અથવા વીમો બાકી હશે તો સિગ્નલ પર જ તેની માહિતી ડિજિટલ હોર્ડિંગ્સ પર દેખાશે.
નવી વ્યવસ્થા હેઠળ સિગ્નલથી આશરે 100 મીટર દૂરથી જ હાઈટેક કેમેરા વાહનની નંબર પ્લેટ સ્કેન કરશે અને વાહન સિગ્નલ પર પહોંચતા જ બાકી દસ્તાવેજો તથા ઈ-ચલણની વિગતો ડિજિટલ ડિસ્પ્લે પર દર્શાવાશે.
આ પ્રોજેક્ટની શરૂઆત પ્રાયોગિક ધોરણે જિલ્લા પંચાયત ચોકથી કરવામાં આવશે. સફળતા બાદ શહેરના અન્ય મુખ્ય ટ્રાફિક જંક્શનો પર પણ આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસના મતે આ સિસ્ટમથી નિયમભંગ કરનારા વાહનચાલકો સામે ઝડપી કાર્યવાહી થઈ શકશે અને લોકોમાં ટ્રાફિક નિયમો તથા જરૂરી દસ્તાવેજો અંગે જાગૃતિ વધશે. વાહનચાલકોએ હવે રસ્તા પર નીકળતા પહેલાં PUC, વીમો અને બાકી ઈ-ચલણની ચકાસણી કરવી પડશે.
દરમિયાન પોલીસના ધ્યાનમાં અગાઉ એક એવા વાહનચાલકનો કિસ્સો આવ્યો હતો જેના 300 જેટલા ઈ-ચલણ બાકી હતા. પોલીસે વાહન ડિટેઈન કરી બાકી ચલણ ભરાવવાની કાર્યવાહી કરી હતી.










