છોટા હાથીની ડીઝલ ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ : બે ભાઈઓ અને બે માસૂમ બાળકોનાં મોત
કચ્છના નખત્રાણા નજીક કોટડા જડોદર પાસે આવેલા ભાગણવાડા (ભંગારવાડા)માં આજે એક ભયાનક વિસ્ફોટની ઘટના બની છે. ભંગારવાડામાં ઊભેલા છોટા હાથી વાહનમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ આસપાસના કેટલાય કિલોમીટર સુધી સંભળાયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં નખત્રાણા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી.
એક જ પરિવારના 4 સભ્યોનાં મોત
પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં એક જ પરિવારના બે સગા ભાઈઓ અને તેમના આશરે ત્રણ વર્ષના બે માસૂમ બાળકોનાં મોત થયા છે.
મૃતકોની પ્રાથમિક ઓળખ:
કુંભાર મામદ ઈલિયાસ (ઉ.વ. 30)
કુંભાર નૂરમામદ ઈલિયાસ (ઉ.વ. 26)
કુંભાર હસનેન મામદ (ઉ.વ. આશરે 3 વર્ષ)
નૂર ફાતિમા નૂરમામદ (ઉ.વ. આશરે 3 વર્ષ)
એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોતથી કુંભાર પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા તપાસ
છોટા હાથીમાં રહેલી ડીઝલ ટેન્ક કે અન્ય કોઈ પદાર્થને કારણે વિસ્ફોટ થયો કે કેમ તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. વાહનમાં કેમિકલ, ગેસ સિલિન્ડર અથવા અન્ય જ્વલનશીલ/વિસ્ફોટક પદાર્થ હતો કે કેમ તે જાણવા માટે FSLની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે.
પોલીસે ઘટનાસ્થળને સુરક્ષિત કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ FSL અને પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.










