આકસ્મિક ચેકિંગમાં કેદી પાસેથી સીમકાર્ડ, પગ સાથે બાંધેલો મોબાઇલ અને ગટરની પાઇપમાંથી બીજો ફોન મળ્યો
વડોદરા: વડોદરા સેન્ટ્રલ જેલમાં પ્રતિબંધિત મોબાઇલ ફોન મળી આવતા જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલો ઊભા થયા છે. પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, અમદાવાદની સૂચના બાદ 23 ઓગસ્ટે જેલમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેલર સહિત છ કર્મચારીઓની ટીમે જેલના વિવિધ યાર્ડ અને બેરેકમાં સઘન તલાશી લીધી હતી. દરમિયાન સર્કલ વિભાગના યાર્ડ નંબર-8ની બેરેક નંબર-1માં કાચા કામના આરોપી ગણેશ દેવેન્દ્રસિંહની તલાશી લેતા તેના શર્ટના ખિસ્સામાંથી એક સીમકાર્ડ મળી આવ્યું હતું.
પગ સાથે દોરીથી બાંધેલો મોબાઇલ મળ્યો
ત્યારબાદ તેની સાથેના કાચા કામના આરોપી સુનિલ મહિડાની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તેના પગ સાથે દોરીથી બાંધેલો એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.
આ ઉપરાંત યાર્ડ નંબર-11ની બેરેક નંબર-4ના પાછળના ભાગે આવેલી ગટરની પાઇપમાંથી છુપાવેલો વધુ એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો.
મોબાઇલ જેલમાં પહોંચ્યો કેવી રીતે?
ચેકિંગમાં મળેલા બંને મોબાઇલ ફોન અને સીમકાર્ડને વધુ તપાસ માટે FSL ખાતે મોકલવામાં આવ્યા છે. હવે તપાસમાં આ મોબાઇલનો ઉપયોગ કોણ કરતું હતું, કયા નંબરો સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો અને પ્રતિબંધિત મોબાઇલ જેલની અંદર કેવી રીતે પહોંચ્યો તે અંગે તપાસ કરવામાં આવશે.
જેલમાં કડક સુરક્ષા અને નિયમિત ચેકિંગ હોવા છતાં બે મોબાઇલ મળી આવતાં આંતરિક દેખરેખ અંગે પણ સવાલો ઉઠ્યા છે. બહારથી મોબાઇલ જેલમાં પહોંચાડવામાં કોઈની સંડોવણી હતી કે કેમ તે દિશામાં પણ તપાસ જરૂરી બની છે.
આ મામલે રાવપુરા પોલીસે બંને કેદી/આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










