વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 508 કિલોમીટર લાંબા આ હાઈ સ્પીડ રેલ કોરિડોરની અંદાજિત કિંમત હવે વધીને આશરે રૂ.2.1 લાખ કરોડ થઈ શકે છે, જે મૂળ મંજૂર થયેલા રૂ.1.08 લાખ કરોડના ખર્ચ કરતાં લગભગ બમણી છે. સુધારેલા ખર્ચના પ્રસ્તાવને મંજૂરી માટે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલો છે.
પ્રોજેક્ટમાં વિલંબને કારણે તેની સમયમર્યાદા અંગે પણ સવાલો ઊભા થયા છે. અગાઉ સમગ્ર કોરિડોરને 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ હવે સંપૂર્ણ પ્રોજેક્ટનું કામ 2030 સુધી લંબાઈ શકે છે. જોકે, સુરત-બિલીમોરા વચ્ચેના આશરે 100 કિલોમીટરના પ્રથમ વિભાગને 2027માં શરૂ કરવાની યોજના છે. આ રીતે સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થાય તે પહેલાં જ બુલેટ ટ્રેનનો નાનો વિભાગ શરૂ કરીને સેવાની શરૂઆત કરવાની તૈયારી છે.
પ્રોજેક્ટમાં વિલંબ માટે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં થયેલો વિલંબ મુખ્ય કારણોમાંનો એક રહ્યો છે. રેલવે મંત્રાલયે પણ અગાઉ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની પ્રક્રિયાએ 2021 સુધી પ્રોજેક્ટની ગતિને અસર કરી હતી. હાલમાં સમગ્ર પ્રોજેક્ટ માટે જરૂરી જમીન સંપાદન પૂર્ણ થઈ ચૂક્યું છે અને તમામ 1651 યુટિલિટી શિફ્ટ કરવામાં આવી હોવાનું સરકારના તાજેતરના આંકડાઓમાં જણાવાયું છે.
કિંમતમાં થયેલા મોટા વધારા પાછળ જમીન, બાંધકામ સામગ્રી, મોંઘવારી, ટેકનિકલ કામો તથા પ્રોજેક્ટમાં થયેલા વિલંબ જેવા પરિબળો જવાબદાર હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. શરૂઆતમાં આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે રૂ.1.08 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ હવે સુધારેલા અંદાજ મુજબ તે રૂ.2.1 લાખ કરોડ સુધી પહોંચી રહ્યો છે.
આ બુલેટ ટ્રેન કોરિડોરમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સહિત કુલ 12 સ્ટેશન છે. ગુજરાતમાં પ્રોજેક્ટનું કામ મહારાષ્ટ્રની સરખામણીએ નોંધપાત્ર રીતે આગળ વધી ચૂક્યું છે અને સુરત તથા બિલીમોરા સ્ટેશનની ફાઉન્ડેશન કામગીરી પૂર્ણ થઈ હોવાનું રેલવે મંત્રાલયે જણાવ્યું છે.
પ્રોજેક્ટનો ખર્ચ અને સમયગાળો વધવા છતાં ભારત માટે આ પ્રોજેક્ટને હાઈ-સ્પીડ રેલ ટેક્નોલોજી અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતાના વિકાસની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બુલેટ ટ્રેન માટેના કેટલાક ટ્રેનસેટ ભારતમાં બનાવવાની યોજના છે, જેનાથી દેશમાં હાઈ-સ્પીડ રેલ માટેનું સ્થાનિક ઔદ્યોગિક માળખું વિકસાવવાનો હેતુ છે.










