આગામી દાયકામાં વીજ માંગ 250 બિલિયન યુનિટ સુધી પહોંચવાનો અંદાજ, વધતા ઔદ્યોગિકીકરણ વચ્ચે સરકારની તૈયારીઓ તેજ
ગાંધીનગર: ગુજરાતમાં ઝડપથી વધી રહેલા ઔદ્યોગિકીકરણ, વસ્તી વૃદ્ધિ અને આર્થિક સમૃદ્ધિ સાથે વીજળીની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક દાયકામાં રાજ્યમાં વીજ વપરાશમાં આશરે 64 ટકાનો વધારો થયો છે. વધતી માંગને પહોંચી વળવા રાજ્ય સરકાર હવે વર્ષ 2035-36 સુધીમાં 250 બિલિયન યુનિટ વીજ ઉત્પાદન માટેનું આયોજન કરી રહી છે.
ડેટા સેન્ટર, સેમિકન્ડક્ટર સહિતના નવા અને મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવી રહ્યા હોવાથી આગામી વર્ષોમાં વીજળીની માંગ વધુ વધવાની શક્યતા છે. સરકારના આંકડા મુજબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 2015-16માં 83,133 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જે વધીને 2025-26માં 1,36,722 મિલિયન યુનિટ થયું છે.
ઔદ્યોગિક ક્ષેત્રમાં વીજ વપરાશમાં મોટો ઉછાળો
ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રમાં વીજળીની માંગ સૌથી ઝડપથી વધી રહી છે. વર્ષ 2015-16માં ઔદ્યોગિક વીજ વપરાશ 35,097 મિલિયન યુનિટ હતો, જે વધીને 2025-26માં 72,726 મિલિયન યુનિટ થયો છે.
નવા ઔદ્યોગિક પાર્ક, ખાનગી મૂડીરોકાણ અને નવા પ્રોજેક્ટના કારણે ઔદ્યોગિક ક્ષેત્રમાં વીજ વપરાશમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, જ્યોતિગ્રામ યોજના બાદ ગ્રામીણ વિસ્તારોમાં પણ વીજળીનો ઉપયોગ અને વીજ ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે.
શહેરી વિસ્તારોમાં પણ વીજ માંગ વધી
શહેરી વિસ્તારોમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ ઉપરાંત ઘરેલુ વીજ વપરાશમાં પણ વધારો થઈ રહ્યો છે. આગામી દસ વર્ષમાં ગુજરાતની કુલ વીજ માંગ 250 બિલિયન યુનિટ સુધી પહોંચી શકે છે, એવો અંદાજ મૂકવામાં આવ્યો છે.
વધતી વીજ માંગને પહોંચી વળવા ઉત્પાદન ક્ષમતા વધારવાની સાથે વિતરણ વ્યવસ્થાને પણ વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
2030 સુધીમાં ‘વાયર ફ્રી સિટી’નું આયોજન
રાજ્યમાં વીજળી વિતરણ વ્યવસ્થામાં પણ મોટો બદલાવ કરવામાં આવી રહ્યો છે. અગાઉ એક જ વીજળી બોર્ડની જગ્યાએ ચાર ઝોન મુજબ અલગ વીજ કંપનીઓની રચના કરવામાં આવી છે. જેના કારણે વીજળીના વિતરણ અને ફોલ્ટ દૂર કરવાની કામગીરીમાં સુધારો થયો છે.
હવે શહેરી વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલ અને વધારાના ટ્રાન્સફોર્મર સ્થાપિત કરીને વીજ પુરવઠો વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારનું આયોજન છે કે 2030 સુધીમાં તમામ શહેરી વિસ્તારોને અંડરગ્રાઉન્ડ વીજ લાઇનથી જોડીને ‘વાયર ફ્રી સિટી’ બનાવવામાં આવે. આથી રસ્તાઓ પર વીજ વાયરોનું જાળું ઘટશે અને વીજ પુરવઠાની વિશ્વસનીયતા પણ વધશે.
સોલાર વીજળીથી પણ મોટી રાહત
ગુજરાતમાં પરંપરાગત વીજ ઉત્પાદનની સાથે બિનપરંપરાગત ઊર્જાના ક્ષેત્રમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને સોલાર વીજળી હવે ઘર-ઘર સુધી પહોંચવા લાગી છે.
ઘરેલુ સોલાર સિસ્ટમના વધતા ઉપયોગથી વીજ ઉત્પાદનના ક્ષેત્રમાં લોકોની ભાગીદારી વધી રહી છે અને પરંપરાગત વીજળી પરનું દબાણ પણ ઓછું થઈ રહ્યું છે.
આમ, એક તરફ ગુજરાતમાં ઉદ્યોગો અને શહેરીકરણને કારણે વીજ માંગ સતત વધી રહી છે, તો બીજી તરફ સરકાર વધુ વીજ ઉત્પાદન, અંડરગ્રાઉન્ડ કેબલ, મજબૂત વિતરણ નેટવર્ક અને સોલાર ઊર્જાના સહારે આગામી દાયકાની વીજ જરૂરિયાતો પૂરી કરવાની દિશામાં આગળ વધી રહી છે.










