‘નાગરિકો સાથે દાદાગીરી નહીં ચાલે’ : હાઈકોર્ટે IAS અધિકારી બીજલ શાહને ઝાટક્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સરકારી કચેરીની ભૂલનો ભોગ નાગરિકને બનાવવાના વલણ સામે કડક વલણ; રૂ.1 લાખનો દંડ વધારી રૂ.2 લાખ કરવાની પણ ટકોર

અમદાવાદ: વહીવટી બેદરકારી અને અસંવેદનશીલ વલણ સામે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જમીન સુધારણા સચિવ અને ચીફ કન્ટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી તરીકે ફરજ બજાવતા સિનિયર IAS અધિકારી બીજલ શાહ દ્વારા વિલંબના આધારે અરજદારની રિવિઝન અરજી યાંત્રિક રીતે ફગાવી દેવાતા જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈએ અધિકારીની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

સુનાવણી દરમિયાન કોર્ટે અધિકારીના ‘નિષ્ઠુર અને બેદરકાર’ વલણ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. સરકારી તંત્ર દ્વારા ઓર્ડર મોકલવામાં થયેલા વિલંબના કારણે નાગરિકને જવાબદાર ઠેરવવામાં આવ્યા હોવાનું સામે આવતા કોર્ટે અગાઉ નક્કી કરાયેલા રૂ.1 લાખના વ્યક્તિગત દંડને વધારીને રૂ.2 લાખ કેમ ન કરવામાં આવે? તેવો સવાલ પણ કર્યો હતો.

વિભાગે ઓર્ડર મોડો મોકલ્યો, નાગરિકને વિલંબ બદલ દંડ

આ મામલો સુતરીયા સ્વાતિ મિતેશ અને અન્ય અરજદાર દ્વારા દાખલ કરાયેલી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે. અરજદારોએ વડોદરાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી અંગે 1 ઓક્ટોબર 2025ના હુકમને ગુજરાત સ્ટેમ્પ એક્ટની કલમ 53 હેઠળ રિવિઝન અરજી મારફતે પડકાર્યો હતો.

અરજદારોએ આ અરજી 4 એપ્રિલ 2026ના રોજ કરી હતી. જોકે, ચીફ કન્ટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી બીજલ શાહે 180 દિવસની સમયમર્યાદા 30 માર્ચ 2026ના રોજ પૂરી થઈ ગઈ હોવાનું કહી અરજી ફગાવી દીધી હતી.

પરંતુ કોર્ટ સમક્ષ રજૂ થયેલા રેકોર્ડમાં બહાર આવ્યું કે ડેપ્યુટી કલેક્ટરની કચેરીએ આ હુકમ 18 ઓક્ટોબર 2025ના રોજ પોસ્ટ કર્યો હતો અને અરજદારોને 21 ઓક્ટોબરે મળ્યો હતો. એટલે અરજદારોને ઓર્ડર મળવાની તારીખ અને કચેરીમાંથી ડિસ્પેચ થયાની તારીખ વચ્ચેનો તફાવત મહત્વનો હતો.

મૂળ રેકોર્ડ તપાસ્યા વગર નિર્ણય સામે કોર્ટની નારાજગી

અરજદારોએ ઓર્ડર મોડો મળ્યો હોવાની રજૂઆત કરી હોવા છતાં સંબંધિત સત્તાધિકારીએ ડિસ્પેચની વાસ્તવિક તારીખની ચકાસણી કરી ન હોવાનું કોર્ટના ધ્યાનમાં આવ્યું હતું.

આ અંગે જસ્ટિસ નિર્ઝર દેસાઈએ અધિકારીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે જણાવ્યું કે પોતાની જ નીચલી કચેરી પાસેથી મૂળ ફાઇલ મંગાવી હકીકત ચકાસ્યા વિના માત્ર વિલંબના આધારે અરજી ફગાવી દેવામાં આવી હતી.

‘જ્યારે તમારા પર આવે ત્યારે જ દયા કેમ યાદ આવે?’

સુનાવણી દરમિયાન કોર્ટે અધિકારીને સખત શબ્દોમાં સવાલ કર્યો હતો કે જો સામાન્ય અરજદાર માત્ર ચાર દિવસ મોડો થયો હોય તો તેની વિનંતી ધ્યાનમાં લેવા માટે સત્તાધિકારી તરીકે સંવેદનશીલતા કેમ દાખવવામાં આવી નહીં?

કોર્ટે એવી પણ ટકોર કરી કે અધિકારીઓ નાગરિકો પાસેથી સમયમર્યાદા અને નિયમોનું કડક પાલન અપેક્ષે છે, પરંતુ જ્યારે પોતાની કામગીરી અંગે જવાબ આપવાનો વારો આવે ત્યારે વધુ સમયની માગણી કરે છે.

અધિકારીએ કોર્ટ સમક્ષ “I beg your pardon” કહી મૂળ રેકોર્ડ તપાસીને જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું કે મામલો અધિકારીની પોતાની કામગીરી અને બેદરકારી સાથે સંબંધિત છે.

‘આ બંધારણીય મુદ્દો નથી, બેદરકારીનો પ્રશ્ન છે’

જસ્ટિસ દેસાઈએ ટકોર કરી કે આ કોઈ જટિલ બંધારણીય પ્રશ્ન નથી, પરંતુ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરીની ચકાસણીનો સીધો મામલો છે.

કોર્ટે સવાલ કર્યો કે પોતાની જ નીચલી સત્તા પાસેથી ફાઇલ મંગાવી હકીકત તપાસ્યા વગર અરજી કેવી રીતે ફગાવી શકાય? નાગરિકોને કચેરીઓના ધક્કા ખાવા ન પડે તે માટે અધિકારીઓએ નિર્ણય લેતા પહેલાં મૂળ રેકોર્ડ તપાસવો જોઈએ તેવી કોર્ટની ટકોર રહી હતી.

વોટ્સએપથી રેકોર્ડ મોકલવા આદેશ

કોર્ટે સરકારી કચેરીઓમાં થતી બેદરકારી અંગે પણ કડક ટિપ્પણી કરી હતી. અધિકારી પાસેથી મૂળ ફાઇલ અને સંબંધિત રેકોર્ડ રજૂ કરવા માટે કોર્ટ દ્વારા તાત્કાલિક રેકોર્ડ વોટ્સએપ મારફતે મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મૂળ ફાઇલની તપાસ કરીને જવાબ આપવા માટે અંતે અધિકારીને એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

કેસની આગામી સુનાવણી 7 સપ્ટેમ્બર 2026ના રોજ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai