એક જ દિવસમાં ટિકિટ વગર મુસાફરી કરતા 551 ‘મફતીયા મુસાફરો’ ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ ડિવિઝનની સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં રૂ.5.29 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ: મુસાફરોને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા પ્રોત્સાહિત કરવા, વગર ટિકિટ અને અનિયમિત મુસાફરી પર અંકુશ લાવવા તેમજ રેલવેની આવકનું નુકસાન અટકાવવાના હેતુથી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા 30 ઓગસ્ટ, 2026ના રોજ એક દિવસીય સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના નેતૃત્વ હેઠળ હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન વંદે ભારત, એક્સપ્રેસ, સુપરફાસ્ટ, પેસેન્જર, મેઇલ અને ઇન્ટરસિટી સહિત વિવિધ ટ્રેનોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ કામગીરીમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર, ટિકિટ ચેકિંગ સ્ટાફ, કોમર્શિયલ ઇન્સ્પેક્ટરો સહિત કોમર્શિયલ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

342 મુસાફરો વગર ટિકિટે ઝડપાયા

ઝુંબેશ દરમિયાન વગર ટિકિટ મુસાફરી, ઉચ્ચ શ્રેણીમાં અનિયમિત મુસાફરી અને બુકિંગ વગર સામાન લઈ જવાના કેસો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

એક જ દિવસમાં કુલ 551 કેસ નોંધાયા હતા. જેમાં વગર ટિકિટ મુસાફરીના 342 કેસમાંથી રૂ.3,48,185નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ઉચ્ચ શ્રેણીમાં અનિયમિત મુસાફરીના 206 કેસમાંથી રૂ.1,81,510 તથા બુકિંગ વગરના સામાનના 3 કેસમાંથી રૂ.150ની આવક થઈ હતી.

આમ, એક દિવસની ચેકિંગ ઝુંબેશમાં કુલ 551 કેસમાંથી રૂ.5,29,845નો દંડ અને આવક રેલવેને પ્રાપ્ત થઈ હતી.

નિયમિત મુસાફરી માટે રેલવેની અપીલ

રાજકોટ ડિવિઝન દ્વારા સમયાંતરે આવી સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. તેનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નહીં પરંતુ વગર ટિકિટ અને અનિયમિત મુસાફરી પર અસરકારક અંકુશ લાવવાનો તેમજ મુસાફરોમાં રેલવેના નિયમો અંગે જાગૃતિ વધારવાનો છે.

રેલવે દ્વારા મુસાફરોને હંમેશા માન્ય ટિકિટ સાથે જ મુસાફરી કરવા અને રેલવેના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આવી કાર્યવાહીથી રેલવેની આવકનું રક્ષણ થવાની સાથે મુસાફરોમાં જવાબદાર અને શિસ્તબદ્ધ મુસાફરીની સંસ્કૃતિને પણ પ્રોત્સાહન મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai