સુરત: સુરતમાં હોટફિક્સ ઉદ્યોગમાંથી નીકળતા પ્લાસ્ટિકના કચરાને લઈને મહાનગરપાલિકાની કાર્યવાહી હવે માત્ર નાના યુનિટોને નોટિસ આપવા સુધી સીમિત રહી નથી. પ્રતિબંધિત પ્લાસ્ટિક શહેરમાં આવ્યું ક્યાંથી, કોની પાસેથી ખરીદાયું અને કઈ સપ્લાય ચેઇન મારફતે હોટફિક્સ યુનિટો સુધી પહોંચ્યું? તે અંગે તપાસનો મુદ્દો હવે મહત્વનો બન્યો છે.
પાલિકા દ્વારા હોટફિક્સ યુનિટોને નોટિસ આપવાની સાથે તેમને હોટફિક્સ શીટ સપ્લાય કરતા હોલસેલ વેપારીઓ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેટલાક વેપારીઓ સામે સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
22 માઇક્રોનના પ્લાસ્ટિક પર તપાસ
પાલિકા તંત્રના જણાવ્યા મુજબ હોટફિક્સમાં વપરાતું પ્લાસ્ટિક પ્રતિબંધિત શ્રેણીમાં આવતું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પ્રાથમિક તપાસમાં પ્લાસ્ટિકની જાડાઈ આશરે 22 માઇક્રોન હોવાનું સામે આવ્યું છે. તેના પર ગમ લગાવ્યા બાદ તેની જાડાઈ આશરે 33 માઇક્રોન સુધી પહોંચે છે.
હોટફિક્સ શીટમાં ઉપયોગમાં લેવાતું ગમ જ્વલનશીલ હોવાથી તેના કચરામાં આગ લાગવાની શક્યતા પણ રહે છે. હોટફિક્સના કચરામાં આગ લાગવાના બનાવો સામે આવતાં હવે આ મુદ્દો માત્ર પ્લાસ્ટિક પ્રતિબંધ પૂરતો રહ્યો નથી, પરંતુ ફાયર સેફ્ટી અને ઔદ્યોગિક કચરાના નિકાલ સાથે પણ જોડાયો છે.
પ્રતિબંધિત હોય તો શહેરમાં આવ્યું ક્યાંથી?
જો આ પ્લાસ્ટિક પ્રતિબંધિત શ્રેણીમાં આવે છે તો વર્ષોથી તેનો ઉપયોગ કેવી રીતે થતો રહ્યો તે મોટો સવાલ છે. આ સામગ્રી કોની પાસેથી આવતી હતી? કયા હોલસેલ વેપારીઓ તેને ખરીદતા હતા? હોટફિક્સ શીટ તરીકે જ તેનું વેચાણ થતું હતું કે અન્ય કોઈ નામ હેઠળ પ્લાસ્ટિક બજારમાં પહોંચતું હતું?
સૌથી મહત્વનો સવાલ એ છે કે આ પ્લાસ્ટિકની આયાત કરવામાં આવી હતી કે દેશના અન્ય ભાગોમાંથી સુરત સુધી સપ્લાય થતું હતું?
હવે તપાસમાં આ તમામ કડીઓ જોડવાની જરૂરિયાત ઊભી થઈ છે.
આયાતથી લઈને હોટફિક્સ યુનિટ સુધી તપાસ જરૂરી
પાલિકા દ્વારા હાલ હોટફિક્સ શીટના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને તેની ચકાસણી કરાવવામાં આવી રહી છે. લેબોરેટરી તપાસ બાદ પ્લાસ્ટિકની ચોક્કસ રચના, જાડાઈ અને તે કયા નિયમ હેઠળ આવે છે તે વધુ સ્પષ્ટ થશે.
સાથે જ આ સામગ્રીની ખરીદી-વેચાણ અને સપ્લાય અંગે પણ તપાસ જરૂરી છે. જો હોટફિક્સ શીટ તરીકે તેની આયાત થતી હતી તો તેના દસ્તાવેજો, સપ્લાયર અને આયાતકાર સુધી પહોંચવું પડશે. જો દેશની અંદરથી આવતી હતી તો ઉત્પાદકથી લઈને સુરતના હોલસેલ વેપારી અને ત્યારબાદ નાના હોટફિક્સ યુનિટ સુધીની સમગ્ર ચેઇન તપાસવી પડશે.
માત્ર નાના યુનિટોને નોટિસ આપવાથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના મૂળ સ્ત્રોત સુધી પહોંચી શકાય નહીં. ઉત્પાદન, આયાત અથવા આંતરરાજ્ય સપ્લાય, સુરતમાં પ્રવેશ, હોલસેલ સંગ્રહ અને હોટફિક્સ યુનિટ સુધી પહોંચતી સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ થાય તો જ આ પ્લાસ્ટિક શહેરમાં કેવી રીતે પહોંચ્યું તેનું સાચું ચિત્ર બહાર આવી શકે.
ડોર-ટુ-ડોર કચરામાં ઔદ્યોગિક વેસ્ટ ભળે નહીં
હોટફિક્સના કચરાના નિકાલનો મુદ્દો પણ એટલો જ મહત્વનો છે. પાલિકાની ડોર-ટુ-ડોર કચરા વ્યવસ્થા મુખ્યત્વે ઘરેલું કચરો ઉઠાવવા માટે છે, જ્યારે હોટફિક્સ યુનિટમાંથી નીકળતો કચરો ઔદ્યોગિક વેસ્ટની શ્રેણીમાં આવે છે.
આથી હોટફિક્સનો ઔદ્યોગિક કચરો ડોર-ટુ-ડોર વ્યવસ્થા હેઠળ ઉઠાવી તેનો નિકાલ કરવો યોગ્ય નથી. યોગ્ય નિકાલની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી આ કચરો જાહેર સ્થળોએ ઠલવાતો હોવાની ફરિયાદો વચ્ચે હવે પાલિકાએ હોટફિક્સના ઔદ્યોગિક કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
આખરે તપાસનો સવાલ માત્ર એટલો નથી કે હોટફિક્સ યુનિટો પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરે છે કે નહીં. મૂળ સવાલ એ છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરતના બજારમાં આવ્યું કેવી રીતે, કોના માધ્યમથી આવ્યું અને કયા નામે વેચાતું રહ્યું? આ કડી બહાર આવશે તો હોટફિક્સના કચરાની સમસ્યાના મૂળ સુધી પહોંચી શકાશે.










