ભાવનગર: ભાવનગર લઠ્ઠાકાંડની તપાસમાં પોલીસ તંત્ર સાથે સંકળાયેલો વધુ એક ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન ભાવનગર ગ્રામ્ય ડિવિઝનની ASP સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગજુભા ગોહિલની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન રાજદીપસિંહ ગોહિલનો લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે ફોન પર સંપર્ક હોવાનું સામે આવ્યું હતું. મોબાઈલ કોલ ડિટેલ રેકોર્ડ (CDR)ની તપાસ દરમિયાન આ કડી મળી આવ્યા બાદ SMCએ કાર્યવાહી કરી હતી.
CDR તપાસમાં સામે આવી મહત્વની કડી
લઠ્ઠાકાંડની સમગ્ર તપાસ હાલ SMC દ્વારા કરવામાં આવી રહી છે. તપાસના ભાગરૂપે શંકાસ્પદ પોલીસ કર્મચારીઓના મોબાઈલ ફોનના CDRની ચકાસણી કરવામાં આવી હતી.
આ દરમિયાન કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ અને કેસના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી વચ્ચે ફોન પર વાતચીત થયાનું સામે આવ્યું હતું. આ માહિતીના આધારે SMCની ટીમે 31 ઓગસ્ટની મોડી રાત્રે રાજદીપસિંહ ગોહિલની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ કોન્સ્ટેબલને 1 સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્યાર સુધીમાં 38 આરોપીઓની ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMC દ્વારા અત્યાર સુધીમાં મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સહિત 38 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થયા હતા અને અનેક લોકોનાં મોત થયાં હતાં. સમગ્ર મામલે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
મુખ્ય આરોપીઓમાં ગૌતમ સોલંકી, રઈશ અન્સારી, જતીન કાંબડ, સારસ સોલંકી, પારસ ઉર્ફે પપ્પુ ચુડાસમા, મનદીપસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો ગોહિલ, જયદીપ મકવાણા, હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ, વિવેક અલગોતર, ભાર્ગવ ભટ્ટ, કેવલ ઉર્ફે સાંગો સોલંકી, સુખદેવ સલાટ અને હાદક ઉર્ફે ટોંચો બારૈયા સહિતના આરોપીઓનો સમાવેશ થાય છે.
રિમાન્ડ પૂર્ણ થયા બાદ SMCએ વધુ રિમાન્ડની માંગણી ન કરતાં કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
પાંચ પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી
લઠ્ઠાકાંડને લઈને પોલીસ વિભાગે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ અનેક પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીઓમાં:
LCB PI મયુરધ્વજસિંહ સરવૈયા
વરતેજ પોલીસ મથકના PI એ.બી. પઢેરિયા
બીટ જમાદાર ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલ
D સ્ટાફના જયરાજસિંહ પ્રકાશસિંહ
અનિરૂદ્ધસિંહ જયવંતસિંહ ગોહિલ
નો સમાવેશ થાય છે.
હવે ASP સ્ક્વોડમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની ધરપકડ થતાં લઠ્ઠાકાંડની તપાસ વધુ ગંભીર તબક્કે પહોંચી છે. મુખ્ય આરોપી સાથે પોલીસ કર્મચારીનો સંપર્ક શા માટે હતો અને આ સંપર્કનો સમગ્ર લઠ્ઠાકાંડ સાથે કોઈ સીધો સંબંધ હતો કે નહીં, તે તપાસનો મહત્વનો મુદ્દો બન્યો છે.










