સુરતની શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, છઠ્ઠો ફ્લોર ખાખ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરતના સરોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં મધ્યરાત્રિએ અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્કેટના પાંચમા અને છઠ્ઠા ફ્લોર પર લાગેલી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓએ છઠ્ઠા ફ્લોરને સંપૂર્ણપણે પોતાની ઝપેટમાં લઈ લેતા મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા તાત્કાલિક મેજર કોલ અને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યા હતા. 13 ફાયર સ્ટેશનોમાંથી 15થી વધુ ફાયર ફાઈટર અને ટેન્ડરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર ટીમો સ્થળ પર પહોંચી ત્યારે માર્કેટના ઉપરના માળેથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા. કાપડ સહિતની જ્વલનશીલ સામગ્રીના કારણે આગ ઝડપથી પ્રસરી હતી.

ફાયર વિભાગના જણાવ્યા મુજબ, મધ્યરાત્રિએ આશરે 12:52 વાગ્યે આગ અંગેનો ઈમરજન્સી કોલ કંટ્રોલ રૂમને મળ્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, માર્કેટનો વીજ પુરવઠો સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવતા અંદર પાણીની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી ઊભી થઈ હતી.

આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની ટીમો બહારથી વોટર ટેન્કરો અને બ્રાઉઝરોની મદદથી સતત પાણીનો મારો ચલાવી રહી હતી. સાત કલાકથી વધુ સમયની જહેમત બાદ પણ આગને સંપૂર્ણપણે કાબુમાં લેવા માટે કામગીરી ચાલુ રહી હતી.

શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં 250થી વધુ કાપડની દુકાનો આવેલી હોવાનું જાણવા મળે છે. માર્કેટના ઉપરના માળે કાપડનો મોટો જથ્થો હોવાથી આગમાં કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થયો હોવાની આશંકા છે. જોકે, આગ સંપૂર્ણપણે કાબુમાં આવ્યા બાદ જ નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવશે. સદનસીબે, હાલ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai