ભાદરવાના પ્રારંભ સાથે જ ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત્ રહેતાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વરસાદ ખેંચાતા ચિંતિત બનેલા ખેડૂતોને પણ રાહત મળી છે.
વડોદરા શહેરમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં અંદાજે 2.5 ઈંચ વરસાદ ખાબકતાં થોડા જ સમયમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું.
વાઘોડિયા રોડથી આજવા રોડ સુધી પાણી જ પાણી
વાઘોડિયા રોડ, રાવપુરા રોડ, ચાર દરવાજા વિસ્તાર અને આજવા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારના સમયે કામ-ધંધે જવા નીકળેલા લોકોને પાણીમાંથી વાહનો પસાર કરવાની ફરજ પડી હતી. કેટલાક સ્થળોએ વાહનો પાણીમાં બંધ પડી જતાં ચાલકોએ વાહનોને ધક્કા મારીને બહાર કાઢવા પડ્યા હતા.
વડોદરાને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની વાતો વચ્ચે વરસાદ પડતાં જ ચોક્કસ વિસ્તારોમાં પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા ફરી સામે આવી છે. કાયમી ઉકેલ અને યોગ્ય આયોજનના અભાવે દર ચોમાસામાં શહેરીજનોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ભારે વરસાદ બાદ શહેરમાં પાણી ભરાવાની સ્થિતિએ તંત્રની વરસાદ પૂર્વેની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે.
ગણેશ પંડાલોમાં પાણી ઘૂસતાં આયોજકોમાં દોડધામ
વડોદરાના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ગણેશ પંડાલોમાં ઘૂસી જતાં ગણેશોત્સવના આયોજકોમાં દોડધામ મચી હતી. આજે ગણેશ સ્થાપનાનો દિવસ હોવાથી આયોજકોની ચિંતા વધી હતી. ગણેશ પ્રતિમાઓ અને મંડપને વરસાદથી બચાવવા પ્લાસ્ટિકના આવરણથી ઢાંકવાની કામગીરી કરવામાં આવી હતી.
મોટાભાગના સ્થળોએ શ્રીજીની સ્થાપના બાકી હોવાથી આયોજકો દ્વારા વરસાદ વિરામ લે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી હતી.
દાંડિયા બજારમાં સૌથી વધુ 89.50 મિમી વરસાદ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા મુજબ સવારે 10:30 વાગ્યા સુધી દાંડિયા બજારમાં સૌથી વધુ 89.50 મિમી વરસાદ નોંધાયો હતો.
દાંડિયા બજાર: 89.50 મિમી
આસોજ: 71.50 મિમી
ગોપીપુરા: 64 મિમી
હરિનગર: 59.50 મિમી
હાલોલ: 59.50 મિમી
રૂપાપુરા: 58.50 મિમી
આજવા: 52.50 મિમી
માંજલપુર: 48.50 મિમી
પ્રતાપપુરા: 43.50 મિમી
સમા: 43 મિમી
તાજપુરા: 44 મિમી
મહીસાગર (દોડકા): 37.50 મિમી
આજવા સરોવર: 9.50 મિમી
કરજણમાં 68 મિમી, સિનોરમાં સિઝનનો સૌથી વધુ 862 મિમી વરસાદ
વડોદરા જિલ્લા કંટ્રોલરૂમના આંકડા મુજબ આજે જિલ્લામાં સૌથી વધુ કરજણમાં 68 મિમી, વડોદરામાં 60 મિમી અને પાદરામાં 36 મિમી વરસાદ નોંધાયો છે. શિનોરમાં 22 મિમી, ડેસરમાં 12 મિમી, ડભોઈમાં 11 મિમી, વાઘોડિયામાં 6 મિમી અને સાવલીમાં 3 મિમી વરસાદ નોંધાયો હતો.
સિઝનના કુલ વરસાદની વાત કરીએ તો શિનોરમાં સૌથી વધુ 862 મિમી વરસાદ નોંધાયો છે. સાવલીમાં 357 મિમી, વડોદરામાં 634 મિમી, વાઘોડિયામાં 408 મિમી, ડભોઈમાં 662 મિમી, પાદરામાં 595 મિમી, કરજણમાં 578 મિમી અને ડેસરમાં 550 મિમી વરસાદ નોંધાયો છે.
આમ, વડોદરા જિલ્લામાં આજે સરેરાશ 27.25 મિમી અને સિઝનનો કુલ 580.75 મિમી વરસાદ નોંધાયો છે.
પાંચ જિલ્લામાં રેડ એલર્ટ, વડોદરા સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રાજ્યના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. દાદરા અને નગર હવેલી, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારે વરસાદની શક્યતા છે.
જ્યારે ડાંગ, તાપી, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે.
15 સપ્ટેમ્બરે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
15 સપ્ટેમ્બરે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત અને નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી છે. અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે.
16 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ રહેશે, જ્યારે 17 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની અને કેટલાક વિસ્તારોમાં વરસાદમાં વિરામની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.










