વડોદરા શહેરમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે દેશી-વિદેશી દારૂ અને બિયરના ખુલ્લેઆમ વેચાણના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. એક તરફ શહેરમાં રોજેરોજ દારૂના જથ્થા સાથે આરોપીઓ ઝડપાઈ રહ્યા છે, તો બીજી તરફ જાહેરમાં દારૂ-બિયરની લેવડદેવડના વીડિયો સામે આવતા દારૂબંધીની અસરકારકતા સામે પ્રશ્નો ઊભા થયા છે.
છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. બાજવા બ્રિજ નીચે દારૂના ક્વાર્ટરનું વેચાણ થતું હોવાનો વીડિયો, જ્યારે ગોરવા શાકમાર્કેટ નજીક મોપેડ પરથી દારૂના ક્વાર્ટર આપવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. પાણીગેટ વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરમાંથી બિયરનું ટીન આપવામાં આવતું હોવાનો વીડિયો પણ સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત વાઈટ વુડા આવાસની દીવાલમાં બાકોરું પાડી દારૂના ક્વાર્ટરની લેવડદેવડ, વડસર રોડ પર પતરાના શેડ નીચે દારૂ-બિયરનું વેચાણ અને કારેલીબાગ વિસ્તારમાં મહિલા દ્વારા દારૂ-બિયરનું વેચાણ થતું હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
આ પ્રકારના વીડિયો સામે આવતા પોલીસની બાતમી વ્યવસ્થા અને બુટલેગરો સામેની કાર્યવાહીની અસરકારકતા અંગે સવાલો ઊભા થયા છે. પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ હોવાના આક્ષેપો પણ અગાઉ સમયાંતરે સામે આવતા રહ્યા છે.
જોકે, વાયરલ થયેલા વીડિયોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. તેમ છતાં જો વીડિયોમાં કરવામાં આવેલા દાવા સાચા હોય તો દારૂબંધીના કડક કાયદા વચ્ચે શહેરમાં આ રીતે દારૂ-બિયરનું વેચાણ થવું ગંભીર બાબત છે. હવે પોલીસ વાયરલ વીડિયોની તપાસ કરી ખરેખર દારૂ-બિયરનું વેચાણ ક્યાંથી થઈ રહ્યું છે અને તેની પાછળ કોણ છે તે બહાર લાવે છે કે કેમ તેના પર સૌની નજર છે.










