રાજકોટમાં ઈન્ડિયન પીનટ બ્રોકર્સ એસોસિએશનની બેઠક યોજાઈ હતી, જેમાં દેશભરમાંથી મગફળીના બ્રોકર્સ અને વેપાર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અનિયમિત અને ઓછા વરસાદને કારણે આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
બેઠકમાં ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ગયા વર્ષના અંદાજિત 44થી 45 લાખ ટન સામે ઘટીને 28થી 30 લાખ ટન રહેવાનો અંદાજ વ્યક્ત થયો હતો. એટલે કે ગુજરાતમાં ઉત્પાદન આશરે 33 ટકા ઘટી શકે છે. જ્યારે સમગ્ર દેશમાં ગયા વર્ષના 84 લાખ ટન સામે આ વર્ષે ઉત્પાદન આશરે 65 લાખ ટન રહેવાનો અંદાજ છે.
પેનલ ચર્ચામાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં વરસાદની અછતને કારણે ઉત્પાદન પર વધુ અસર થવાની વાત સામે આવી હતી. બીજી તરફ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ગયા વર્ષના આશરે 10 લાખ ટન સામે આ વર્ષે 15થી 15.50 લાખ ટન સુધી ઉત્પાદન થવાનો અંદાજ મૂકાયો છે.
રાજસ્થાનમાં ગયા વર્ષના 19 લાખ ટન સામે આ વર્ષે આશરે 13 લાખ ટન ઉત્પાદન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. કર્ણાટકમાં આશરે 2 લાખ ટન અને આંધ્રપ્રદેશ-તેલંગાણામાં મળીને 4.50 લાખ ટન જેટલું ઉત્પાદન થવાનો અંદાજ બેઠકમાં રજૂ થયો હતો.
મગફળીના ભાવ અને સીંગતેલ પર અસરની ચર્ચા
બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે નવેમ્બર-ડિસેમ્બર સુધી મગફળીની આવકનું દબાણ રહેતાં ભાવ પર અસર જોવા મળી શકે છે. જોકે, આવકમાં ઘટાડો શરૂ થયા બાદ મધ્યમ ગાળામાં ભાવમાં વધારો થવાની શક્યતા અંગે પણ ચર્ચા થઈ હતી.
ઓછા ઉત્પાદનને કારણે મગફળીના ભાવ ઊંચા રહેવાની સાથે સીંગતેલના ભાવમાં પણ ઘટાડાની શક્યતા ઓછી રહેવાની ચર્ચા થઈ હતી. ભારતમાં દર વર્ષે આશરે 6.5થી 7 લાખ ટન મગફળીની નિકાસ થાય છે, જ્યારે આ વર્ષે નિકાસને વધારીને 8.5 લાખ ટન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. જોકે, ઉત્પાદન ઘટવાના અંદાજને કારણે આ લક્ષ્યાંક હાંસલ કરવામાં પડકારો ઊભા થઈ શકે છે.
બેઠકના પ્રારંભે પ્રમુખ શૈલેષ નથવાણીએ મગફળીના વેપારમાં આવતી સમસ્યાઓ અને ભારતની આગેવાની અંગે માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત મગફળીની ગુણવત્તા, આફ્લાટોક્સિનની સમસ્યા, જમીનની ફળદ્રુપતા, રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગ અને નિકાસમાં આવતી અડચણો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.










