કેન્દ્ર સરકારે રવિ સિઝન 2027-28 માટે ઘઉં સહિત છ મુખ્ય રવિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો મંજૂર કર્યો છે. આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના ખેડૂતોને તેમના પાક માટે વધુ સારો ટેકાનો ભાવ મળવાની શક્યતા છે. ઘઉં, જવ, ચણા, મસૂર, સરસવ-રેપસીડ અને કુસુમના MSPમાં વધારો કરવામાં આવ્યો છે.
કુસુમના MSPમાં સૌથી વધુ ₹675નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ સરસવ-રેપસીડમાં ₹413, મસૂરમાં ₹390, જવમાં ₹136, ચણામાં ₹83 અને ઘઉંના MSPમાં ₹25 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે.
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ MSP નક્કી કરતી વખતે ખેડૂતોની સરેરાશ ઉત્પાદન પડતર કરતાં ઓછામાં ઓછા 1.5 ગણો ભાવ આપવાના સિદ્ધાંતને ધ્યાનમાં લેવામાં આવ્યો છે. સરકારના અંદાજ પ્રમાણે ઘઉંમાં પડતર કરતાં આશરે 106%, સરસવ-રેપસીડમાં 96%, મસૂરમાં 92%, ચણામાં 59%, જવમાં 58% અને કુસુમમાં 50% સુધીનો માર્જિન રહેશે.
સરકાર દ્વારા કઠોળ અને તેલીબિયાંના વાવેતરને પ્રોત્સાહન આપવા માટે પણ MSPમાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક દાયકામાં રવિ પાકોની સરકારી ખરીદી અને ખેડૂતોને MSP હેઠળ કરવામાં આવેલી ચુકવણીમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાનું સરકારના આંકડામાં જણાવાયું છે.










