દિવાળીના તહેવારો દરમિયાન ટ્રેનોમાં વધતી મુસાફરોની ભીડ વચ્ચે ગુજરાતથી ઉપડતી કેટલીક ટ્રેનોમાં ટિકિટ બુકિંગને લઈને મોટો આક્ષેપ સામે આવ્યો છે. કેટલાક ટૂર ઓપરેટરો અને અનધિકૃત એજન્ટો દ્વારા ડમી અથવા ખોટા નામે અગાઉથી મોટી સંખ્યામાં ટિકિટો બુક કરી બાદમાં જરૂરિયાતમંદ મુસાફરોને ઊંચા ભાવે ‘ગેરેન્ટેડ કન્ફર્મ ટિકિટ’ના નામે વેચવામાં આવતી હોવાની ફરિયાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી છે.
ફરિયાદ મુજબ અમદાવાદ, સાબરમતી, ગાંધીનગર સહિતના સ્ટેશનો પરથી જમ્મુ, કટરા, દિલ્હી, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને કેરળ તરફ જતી ટ્રેનોમાં આવી રીતે બલ્ક બુકિંગ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં જણાવાયું છે કે કેટલાક મુસાફરોને ટૂર પેકેજ સાથે કન્ફર્મ રેલવે ટિકિટની ખાતરી આપવામાં આવે છે. જોકે, રેલવે દ્વારા આવા ટૂર પેકેજ માટે કોઈ વિશેષ કોચ કે સીટ ક્વોટા ફાળવવામાં આવ્યો ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મુસાફરીના થોડા સમય પહેલાં અન્ય વ્યક્તિના નામે બુક થયેલી ટિકિટો મુસાફરોને આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે.
અનેક ટ્રેનોમાં શંકાસ્પદ બલ્ક બુકિંગનો દાવો
દિલ્હીના રેલવે અધિકારીઓને કરવામાં આવેલી ફરિયાદમાં કેટલીક ટ્રેનોના નામ પણ આપવામાં આવ્યા છે. જેમાં સાબરમતી-જમ્મુ તવી, હાપા-કટરા એક્સપ્રેસ, જામનગર-કટરા એક્સપ્રેસ, સર્વોદય એક્સપ્રેસ, જેએટી વિવેક એક્સપ્રેસ, સાબરમતી-કટરા એક્સપ્રેસ, ગાંધીનગર કેપિટલ-દૌલતપુર ચોક એક્સપ્રેસ, આશ્રમ એક્સપ્રેસ, યોગા એક્સપ્રેસ, સાબરમતી-નવી દિલ્હી રાજધાની અને સાબરમતી-બનારસ સુપરફાસ્ટ સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે.
ફરિયાદમાં કરાયેલા અંદાજ મુજબ 5થી 15 નવેમ્બર દરમિયાન કેટલીક ટ્રેનોમાં ટ્રેનદીઠ આશરે 100થી 120 સ્લીપર અને 30થી 40 એસી સીટો શંકાસ્પદ રીતે બુક કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતથી ઉપડતી ટ્રેનો માટે રાજસ્થાનના PRS કાઉન્ટર અથવા એજન્ટો મારફતે પણ બુકિંગ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદકર્તાએ સમગ્ર મામલાની તપાસ માટે બુકિંગ લોગ્સ, યુઝર આઈડી, IP એડ્રેસ, પેમેન્ટ રેકોર્ડ અને CCTV ફૂટેજની ચકાસણી કરવાની માંગ કરી છે. અમદાવાદ DRM, રેલવે બોર્ડ, રેલવે મંત્રી અને PMOને ઈમેલ મારફતે ફરિયાદ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે.
હાલ આ સમગ્ર મામલો ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો પર આધારિત છે. આક્ષેપોની સત્યતા અંગે રેલવેની તપાસ અને સત્તાવાર પુષ્ટિ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.










