કાલથી અરુણ બિન્નાડીનો રાજકોટમાં મુકામ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગરમાં આજે ભાજપ સંગઠનની ‘ફુલ કોરમ’ બેઠક: પ્રભારી તરુણ ચુગ સહિત સહપ્રભારીઓની ઉપસ્થિતિ

ગુજરાતમાં ભાજપની સંગઠનાત્મક પુનર્રચના પૂર્ણ થયા બાદ આજે ગાંધીનગરમાં પક્ષના સંગઠનની ‘ફુલ કોરમ’ બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં પ્રદેશના પ્રભારી તરુણ ચુગ, સહપ્રભારી અજય મહાવર, સહપ્રભારી ગોમતી સાઈ અને નવનિયુક્ત સહસંગઠન મહામંત્રી અરુણ બિન્નાડી ઉપસ્થિત રહેશે. બપોરે કમલમ ખાતે યોજાનારી આ બેઠકમાં સંગઠનની કામગીરી અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા થવાની શક્યતા છે.

પક્ષનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, સહપ્રભારીઓ અને સહસંગઠન મહામંત્રી અરુણ બિન્નાડીની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે. બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશના મહામંત્રીઓ અને અન્ય સંગઠન પદાધિકારીઓ સાથે પરિચય બેઠક યોજાશે. આ ઉપરાંત રાજ્યના જિલ્લા અને મહાનગરોના ભાજપ પ્રમુખો સાથે પણ પરિચય કરવામાં આવશે.

સાંજે મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો સાથે પણ પ્રદેશ પ્રભારી, સહપ્રભારી તથા સહસંગઠન મહામંત્રીની બેઠક યોજાય તેવી શક્યતા છે. સંગઠન અને સરકાર વચ્ચે સંકલન વધારવા ઉપરાંત પક્ષની આગામી કામગીરી અંગે પણ ચર્ચા થઈ શકે છે.

સૌરાષ્ટ્ર-કચ્છના સંગઠનની જવાબદારી અરુણ બિન્નાડીને

અરુણ બિન્નાડી આવતીકાલે રાજકોટ પહોંચે તેવી શક્યતા છે. તેઓ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે કાર્યરત પ્રદેશ વિભાગમાં બેસીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાજપના સંગઠનની કામગીરી સંભાળશે. તેમના રાજકોટમાં કાયમી મુકામથી લાંબા સમય બાદ સૌરાષ્ટ્રમાં સહસંગઠન મહામંત્રીની નિયમિત ઉપસ્થિતિ જોવા મળશે.

મૂળ કર્ણાટકના અરુણ બિન્નાડી યુવા નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપ દ્વારા સંગઠનમાં યુવા ચહેરાઓને વધુ જવાબદારી સોંપવાની દિશામાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની શકે છે. તેઓ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોની મુલાકાત લઈને સંગઠનની કામગીરીનું નિરીક્ષણ કરશે તથા સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન કરશે.

અગાઉ ભીખુભાઈ દલસાણિયા પણ સૌરાષ્ટ્રમાં ભાજપના સંગઠન સહમહામંત્રી તરીકે કામગીરી કરી ચૂક્યા છે. હાલમાં તેઓ બિહારમાં સંગઠન મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. હવે અરુણ બિન્નાડીના રાજકોટ સ્થિત કાર્યાલયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં પક્ષના સંગઠનને વધુ સક્રિય બનાવવાની જવાબદારી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai