અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં વેચાણની ગતિ ધીમી પડી હોવા છતાં મકાનોની માંગ સતત જળવાઈ રહી છે. નાઈટ ફ્રેન્ક રિસર્ચના આંકડા અનુસાર, જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન અમદાવાદમાં મકાનોનું વેચાણ વધીને 14,300 યુનિટ થયું છે, જે છેલ્લા છ વર્ષમાં આ સમયગાળાનું સર્વોચ્ચ સ્તર છે. જોકે, અગાઉની સરખામણીએ વેચાણ વૃદ્ધિનો દર નોંધપાત્ર રીતે ઘટ્યો છે. આમ છતાં, શહેરના રહેણાક બજારમાં ખરીદદારોનો રસ યથાવત્ રહ્યો છે અને ડેવલપર્સ પણ નવા પ્રોજેક્ટ્સ લોન્ચ કરી રહ્યા છે.
વેચાણ વૃદ્ધિનો દર 15.4 ટકાથી ઘટીને 1.7 ટકા
નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ, જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023 દરમિયાન અમદાવાદમાં 12,090 મકાનો વેચાયાં હતાં, જે 2024ના સમાન સમયગાળામાં 15.4 ટકાના વધારા સાથે 13,955 યુનિટ થયાં હતાં. તેની સરખામણીએ જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2025 દરમિયાન 14,064 મકાનોનું વેચાણ થયું હતું, જે 2026માં વધીને 14,300 યુનિટ થયું છે. આમ, વાર્ષિક ધોરણે વેચાણમાં આશરે 1.7 ટકાનો વધારો નોંધાયો છે. અગાઉના સમયગાળામાં જોવા મળેલી ઝડપી વૃદ્ધિની સરખામણીએ હવે બજારમાં વેચાણની ગતિ ધીમી પડી છે, પરંતુ વેચાણમાં ઘટાડો થવાને બદલે સતત વધારો નોંધાઈ રહ્યો છે.
નવા પ્રોજેક્ટ્સના લોન્ચિંગમાં પણ વધારો
મકાનોના વેચાણની ગતિ ધીમી પડી હોવા છતાં બિલ્ડરો અને ડેવલપર્સ નવા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં સક્રિય રહ્યા છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023 દરમિયાન 16,552 રહેણાક યુનિટ લોન્ચ કરવામાં આવ્યાં હતાં. 2024માં આ આંકડો 3.7 ટકા ઘટીને 15,940 યુનિટ થયો હતો. જોકે, 2025ના સમાન સમયગાળામાં 16,531 યુનિટના લોન્ચિંગ સામે 2026માં 1.3 ટકાના વધારા સાથે 16,745 યુનિટ લોન્ચ થયાં છે. નવા પ્રોજેક્ટ્સમાં થયેલો આ વધારો દર્શાવે છે કે અમદાવાદના રહેણાક બજારમાં વિકાસકર્તાઓનો વિશ્વાસ હજુ પણ જળવાયેલો છે.
2021ની સરખામણીએ મકાનોના વેચાણમાં 146 ટકાનો ઉછાળો
લાંબા ગાળાના આંકડા અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં થયેલી વૃદ્ધિ દર્શાવે છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2021 દરમિયાન શહેરમાં 5,815 મકાનોનું વેચાણ થયું હતું, જે 2026માં વધીને 14,300 યુનિટ થયું છે. આમ, પાંચ વર્ષના ગાળામાં વેચાણમાં આશરે 146 ટકાનો વધારો નોંધાયો છે.
વર્ષવાર વેચાણના આંકડા જોઈએ તો 2022માં 12,084, 2023માં 12,090, 2024માં 13,955, 2025માં 14,064 અને 2026માં 14,300 મકાનો વેચાયાં હતાં. આ આંકડા દર્શાવે છે કે કોરોના મહામારી બાદ અમદાવાદના રહેણાક બજારમાં આવેલી તેજી પછી પણ વેચાણનો આંકડો એકંદરે વધતો રહ્યો છે.
દેશના ટોચનાં 8 શહેરોમાં અમદાવાદ છઠ્ઠા ક્રમે
જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન 14,300 મકાનોના વેચાણ સાથે અમદાવાદ દેશનાં આઠ મુખ્ય રહેણાક બજારોમાં છઠ્ઠા ક્રમે રહ્યું છે. આ સમયગાળામાં અમદાવાદે ચેન્નાઈના 13,871 અને કોલકાતાના 13,022 યુનિટના વેચાણને પાછળ છોડ્યાં છે. નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ, અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ ધીમે ધીમે પરિપક્વ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. હવે ખરીદદારો મકાન ખરીદતાં પહેલાં કિંમત, સુવિધાઓ, લોકેશન અને રોકાણના લાંબા ગાળાના લાભ જેવા મુદ્દાઓને વધુ ધ્યાનમાં લઈ રહ્યા છે.
એક કરોડથી વધુ કિંમતનાં મકાનોની માંગમાં વધારો
અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં વધુ કિંમતનાં મકાનો તરફ ખરીદદારોનો ઝુકાવ વધતો જોવા મળી રહ્યો છે. એક કરોડ રૂપિયાથી વધુ કિંમત ધરાવતા મકાનોનું વેચાણ વાર્ષિક ધોરણે 16 ટકા વધીને 3,885 યુનિટ થયું છે. કુલ વેચાણમાં આ કેટેગરીનો હિસ્સો અગાઉના 24 ટકાથી વધીને 27 ટકા થયો છે.
બે કરોડથી પાંચ કરોડ રૂપિયાની કિંમત ધરાવતા મકાનોના વેચાણમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે પાંચ કરોડથી દસ કરોડ રૂપિયાની પ્રીમિયમ કેટેગરીમાં વેચાણ 48 ટકા વધ્યું છે. આ વલણ દર્શાવે છે કે અમદાવાદમાં ઊંચી કિંમતનાં રહેણાક મકાનો માટે પણ માંગ વધી રહી છે.
જોકે, 50 લાખથી એક કરોડ રૂપિયા સુધીની કિંમત ધરાવતા મકાનો હજુ પણ બજારનો મુખ્ય આધાર છે. આ કેટેગરીનો કુલ વેચાણમાં 43 ટકા હિસ્સો છે. એટલે કે પ્રીમિયમ મકાનોની માંગ વધવા છતાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ બજેટનાં મકાનોનું મહત્ત્વ યથાવત્ છે.
એકંદરે, અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં વેચાણ વૃદ્ધિની ગતિ ધીમી પડી હોવા છતાં કુલ વેચાણ છ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. નવા પ્રોજેક્ટ્સના લોન્ચિંગમાં વધારો અને મોંઘાં મકાનોની વધતી માંગ શહેરના રહેણાક બજારમાં બદલાતા પ્રવાહને દર્શાવે છે. આગામી સમયમાં વ્યાજદર, મકાનોની કિંમતો, ખરીદદારોની ખરીદશક્તિ અને નવા પ્રોજેક્ટ્સની ઉપલબ્ધતા બજારની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ રહેશે.










