સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ વાતાવરણ સ્વચ્છ બન્યું છે. હવે વરસાદની શક્યતા ઓછી થવાની સાથે તાપમાનમાં વધારો જોવા મળશે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે 13 ઓક્ટોબર સુધીની હવામાન આગાહીમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1થી 2 ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને 7-8 અને 12-13 ઓક્ટોબરે ગરમીનો પારો ઊંચકાતાં લોકોને ગરમીનો અહેસાસ વધુ થશે.
અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યનાં મોટાભાગનાં હવામાન કેન્દ્રોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1થી 1.5 ડિગ્રી વધુ નોંધાયું છે. અમદાવાદમાં 36.5 ડિગ્રી, અમરેલીમાં 35.9 ડિગ્રી, વડોદરામાં 36.4 ડિગ્રી અને રાજકોટમાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ, ભુજમાં 34.4 ડિગ્રી અને ડીસામાં 35.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કચ્છ અને ઉત્તર ગુજરાતનાં કેટલાક કેન્દ્રોને બાદ કરતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું.
આગાહી મુજબ, 7 અને 8 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન વધીને 36થી 38 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે, જે સામાન્ય કરતાં આશરે 1થી 1.5 ડિગ્રી વધુ હશે. ત્યારબાદ 12 અને 13 ઓક્ટોબરના રોજ પણ તાપમાન ઊંચું રહેવાની સંભાવના છે. આ દિવસોમાં મહત્તમ તાપમાન 36.5થી 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. પરિણામે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનો અનુભવ વધશે.
પવનની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું હતું કે આગાહીના સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશામાં ફૂંકાવાની શક્યતા છે. પવનની સામાન્ય ઝડપ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે, જ્યારે પવનના ઝાટકા 15થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
ચોમાસાની વિદાય બાદ વાતાવરણમાં આવેલા ફેરફાર વચ્ચે હવે તાપમાનમાં થનારો વધારો લોકોને ગરમીનો અહેસાસ કરાવશે. ખાસ કરીને 7-8 અને 12-13 ઓક્ટોબરના દિવસોમાં તાપમાન ઊંચું રહેવાની આગાહી હોવાથી બપોરના સમયે ગરમી વધુ અનુભવાઈ શકે છે.










