ગુજરાતમાં નશાકારક અને ગેરકાયદે દવાઓના વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા વડોદરા અને સુરત જિલ્લામાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કરજણ અને સુરતમાં કુલ ચાર પેઢીઓ સામે દરોડા પાડી રૂ.42.6 લાખથી વધુ કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગંભીર ગેરરીતિ સામે આવતાં બે પેઢીના વેચાણ લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.
કરજણમાં NCBની બાતમીના આધારે દરોડો
મહારાષ્ટ્ર NCB પાસેથી મળેલી બાતમીના આધારે FDCAની ટીમે કરજણની મેસર્સ ચામુંડા ફાર્મા પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન NDPS એક્ટ હેઠળ આવતી ANREX (Codeine) કફ સિરપની 13,938 બોટલો અને TRAMADOLની 12,240 ટેબ્લેટ્સ મળી આવી હતી. ગંભીર કાયદાકીય ઉલ્લંઘન બદલ પેઢીને સીલ કરી તેનું વેચાણ લાઇસન્સ 1 ઓક્ટોબર, 2026થી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે.
ચામુંડા ફાર્મા સાથે સંકળાયેલી મેસર્સ માજીસા મેડિકલ સ્ટોર્સની તપાસમાં LOMOTIL ટેબ્લેટ્સનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી અને દવાનું ફ્રિજ બંધ હોવા જેવી ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. પરિણામે પેઢીનું છૂટક વેચાણ લાઇસન્સ પણ 5 ઓક્ટોબર, 2026થી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે.
સુરતમાં લાઇસન્સ વિના ઓનલાઈન દવા વેચાણનો પર્દાફાશ
વરાછાની મેસર્સ ડર્મેટીક્સ ઈન્ડિયા પર 1 ઓક્ટોબરે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં કોઈ માન્ય ડ્રગ લાઇસન્સ વિના વેબસાઇટ મારફતે દવાઓનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી Sildenafil, Minoxidil અને Ketoconazole સહિત રૂ.11.26 લાખનો દવાનો જથ્થો જપ્ત કરી લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
મોટા વરાછાની મેસર્સ ક્યારા ઈન્ટરનેશનલ પર 3 ઓક્ટોબરે દરોડો પાડતાં Meesho જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ‘Sildenafil Ayurvedic’ના નામે એલોપેથિક દવાઓ વેચાતી હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં છેલ્લા એક મહિનામાં રૂ.3.60 લાખની દવાઓ વેચાઈ હોવાના પુરાવા મળ્યા છે. અગાઉ પણ લાઇસન્સ રદ થઈ ચૂક્યું હોવાથી પુનરાવર્તિત ગેરરીતિ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઓનલાઈન વેચાણ પર ડિજિટલ મોનિટરિંગ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ અથવા વેબસાઇટ મારફતે આયુર્વેદિક નામે એલોપેથિક અથવા પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓનું વેચાણ ગંભીર ગુનો છે. આવી પ્રવૃત્તિઓ પર નજર રાખવા સાયબર સેલ અને FDCAની સંયુક્ત ટીમ દ્વારા ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે.
વડોદરા અને સુરતમાં થયેલી આ કાર્યવાહી બાદ નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે વધુ કડક દેખરેખ રાખવામાં આવશે. કોડીનયુક્ત કફ સિરપ અને અન્ય નશાકારક દવાઓના દુરુપયોગને અટકાવવા જનજાગૃતિ અભિયાન પણ ચલાવવાની તૈયારી છે.










