પેન્શન કાર્ડ બનાવવાના બહાને વોટ્સએપ પર શંકાસ્પદ ફાઇલ મોકલી, બેંક કર્મચારી બની ગઠિયાએ વૃદ્ધને નિશાન બનાવ્યા
અમદાવાદ: શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ સાથે સાયબર ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. બેંક ઓફ બરોડાના કર્મચારી તરીકે ઓળખ આપીને પેન્શન કાર્ડ બનાવી આપવાની લાલચ આપી ગઠિયાએ વૃદ્ધના વોટ્સએપ પર શંકાસ્પદ APK ફાઇલ મોકલી હતી. વૃદ્ધે ફાઇલ ડાઉનલોડ કરીને જરૂરી પરવાનગીઓ આપતાં જ તેમના બેંક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 2.40 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
પેન્શન કાર્ડ અને સિનિયર સિટિઝન વેરિફિકેશનના નામે ઠગાઈ
દરિયાપુરમાં નગીના પોળ, તંબુ ચોકી પાસે રહેતા ગુલામનબી રસુલમીયા શેખ કાલુપુર વિસ્તારમાં પાકીટ બનાવવાની મજૂરી કરે છે. તેમનું બેંક ઓફ બરોડાની દરિયાપુર શાખામાં ખાતું છે. ગત 13 ઓક્ટોબરે સવારે આશરે 9 વાગ્યે તેમના મોબાઇલ પર અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ બેંક ઓફ બરોડાની મુંબઈ શાખાના ઇમરાન હુસેન તરીકે આપી હતી અને પેન્શન કાર્ડ બનાવી આપવાની લાલચ આપી હતી.
APK ફાઇલ ડાઉનલોડ કરાવ્યા બાદ ખાતામાંથી નાણાં ઉપડી ગયાં
આરોપીએ વોટ્સએપ પર ‘BOB BANK SENIOR CITIZEN VERIFICATION APK’ નામની ફાઇલ મોકલી હતી. ગઠિયાની વાતમાં આવીને વૃદ્ધે ફાઇલ ડાઉનલોડ કરી અને જરૂરી પરવાનગીઓ આપી દીધી હતી. ત્યારબાદ એપ્લિકેશનમાં નામ, મોબાઇલ નંબર, એમ-પીન અને ટી-પીન જેવી વિગતો ભરવાનું કહેવામાં આવ્યું હતું.
વૃદ્ધે વિગતો આપ્યા બાદ આરોપીએ પ્રક્રિયા ચાલુ હોવાનું કહી તેમને ફોન પર રોકી રાખ્યા હતા. આ દરમિયાન તેમના ખાતામાંથી રૂ. 1.80 લાખ, રૂ. 25 હજાર, રૂ. 25 હજાર અને રૂ. 10 હજાર એમ કુલ રૂ. 2.40 લાખ ઉપડી ગયા હતા.
સાયબર હેલ્પલાઇન પર જાણ, પોલીસ તપાસ શરૂ
ખાતામાંથી નાણાં કપાતાં વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાની વાત કરી હતી, જેના પગલે આરોપીએ ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ વૃદ્ધે બેંકમાં તપાસ કરી સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરી હતી. બાદમાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની ઓળખ અને નાણાંના વ્યવહારો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સાવચેતી: વોટ્સએપ પર અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી APK ફાઇલ ડાઉનલોડ ન કરો. બેંક કર્મચારીના નામે કોઈ વ્યક્તિ MPIN, TPIN કે અન્ય ગુપ્ત વિગતો માગે તો આપશો નહીં. શંકાસ્પદ વ્યવહાર થાય તો તાત્કાલિક બેંક અને સાયબર હેલ્પલાઇન 1930નો સંપર્ક કરો.










