વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત વૈશ્વિક રોકાણ અને ઔદ્યોગિક ભાગીદારીને મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે જાપાનના પ્રવાસ બાદ ગુજરાતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં દક્ષિણ કોરિયા પહોંચ્યું છે. દક્ષિણ કોરિયાના અગ્રણી ટેક્સટાઇલ હબ દેગુ શહેરમાં ગુજરાતના પ્રતિનિધિમંડળે ‘કોરિયા ટેક્સટાઇલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’ (KTDI) ખાતે યોજાયેલી ‘ગુજરાત-કોરિયા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કો-ઓપરેશન રાઉન્ડટેબલ’ બેઠકમાં ભાગ લીધો હતો.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત અને દક્ષિણ કોરિયા વચ્ચે ટેક્સટાઇલ ક્ષેત્રે તકનીકી આદાનપ્રદાન, વ્યાપારી સહયોગ અને રોકાણની નવી તકો વિકસાવવાનો હતો. ખાસ કરીને ટેક્સટાઇલ મશીનરી અને ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે બંને દેશોના ઉદ્યોગો વચ્ચે ભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠક પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રતિનિધિમંડળે KTDIની અદ્યતન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સુવિધાઓ, પાઇલટ ફેસિલિટીઝ તેમજ ટેસ્ટિંગ અને એનાલિસિસ સેન્ટરની મુલાકાત લીધી હતી. કાર્યક્રમની શરૂઆતમાં યંગવન કોર્પોરેશનના પ્રેસિડેન્ટ જે-યોંગ પાર્કે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સિયોલ સ્થિત ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઑફ મિશન નિશિકાંત સિંઘે પ્રારંભિક વક્તવ્યમાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના વેપારી સંબંધોનું મહત્ત્વ સમજાવ્યું હતું.
ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગનાં એડિશનલ ચીફ સેક્રેટરી મમતા વર્માએ રાજ્યના સમૃદ્ધ ટેક્સટાઇલ ઉદ્યોગ, મજબૂત માળખાકીય સુવિધાઓ, ઉદ્યોગલક્ષી નીતિઓ અને કોરિયન કંપનીઓ માટે ઉપલબ્ધ રોકાણની તકો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં દેગુના અગ્રણી ટેક્સટાઇલ અને મશીનરી ઉત્પાદકોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. સાથે જ ગુજરાતમાં રોકાણ કરવા અને સંયુક્ત સાહસો સ્થાપવા માટે કોરિયન ઉદ્યોગોને પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાતથી ગુજરાતના ટેક્સટાઇલ ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજી, નવી ઔદ્યોગિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય રોકાણની તકો વધવાની સંભાવના છે.
આ બેઠકમાં ગુજરાત સરકાર તરફથી ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, નાણા વિભાગના સંયુક્ત સચિવ (બજેટ) અરવિંદ વી., સંયુક્ત ઉદ્યોગ કમિશનર કનક ડેર અને નાયબ મુખ્યમંત્રીના સચિવ આશિષ કુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દક્ષિણ કોરિયા તરફથી KTDI ઉપરાંત મિકવાંગ, એસ, સામિલ, વૂયાંગ અને ઇલસંગ સહિતની ટેક્સટાઇલ મશીનરી ક્ષેત્રની આઠ જાણીતી કંપનીઓ તેમજ હેવોન ટ્રેડિંગ, બોહ્યુન ટેક્સટાઇલ, ડોંગજિન અને હ્યુન્ડાઇ કેમિકલ ફાઇબર જેવી ચાર અગ્રણી ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ કંપનીઓના વડાઓ અને CEO સહિત આશરે 28 પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો.
ગુજરાત અને દક્ષિણ કોરિયાના ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા માટે યોજાયેલી આ બેઠક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં રાજ્યને આંતરરાષ્ટ્રીય રોકાણકારો સાથે જોડવાના પ્રયાસનો મહત્ત્વપૂર્ણ ભાગ બની છે.










