4થી 7 નવેમ્બર દરમિયાન 8,000થી વધુ વધારાની ટ્રિપોનું આયોજન; એકલા સુરત વિભાગમાંથી સૌરાષ્ટ્ર અને દાહોદ-પંચમહાલ માટે 1,600 બસો દોડાવાશે
ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન વતન જવા નીકળતા મુસાફરોને સરળ અને સુવિધાજનક પરિવહન સેવા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યભરમાં અંદાજે 4,000 વધારાની બસો દોડાવવામાં આવશે, જે ગત વર્ષ કરતાં 500 બસ વધુ છે. ગત વર્ષે દિવાળી દરમિયાન 3,500 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ વખતે રાજ્યના 16 ડિવિઝનમાંથી વિવિધ રૂટ પર વધારાની બસો દોડાવી મુસાફરોના ધસારાને પહોંચી વળવાનો પ્રયાસ કરાશે.
દિવાળીના તહેવારો દરમિયાન 4થી 7 નવેમ્બર સુધી નિયમિત બસો ઉપરાંત એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. આ માટે 8,000થી વધુ વધારાની ટ્રિપોનું આયોજન કરાયું છે. સૌરાષ્ટ્ર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર સહિતના વિસ્તારો તરફ જતા મુસાફરોને આ વ્યવસ્થાથી રાહત મળશે.
સુરતથી સૌરાષ્ટ્ર અને પંચમહાલ માટે 1,600 બસો
સુરત શહેરમાં વસતા સૌરાષ્ટ્રના રત્નકલાકારો, શ્રમિકો અને અન્ય નાગરિકો દિવાળીના તહેવારોમાં પોતાના વતન જઈ શકે તે માટે સુરત વિભાગ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. સુરત વિભાગમાંથી 4થી 7 નવેમ્બર દરમિયાન આશરે 1,600 વધારાની બસો દોડાવવામાં આવશે. આ બસો ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારો તેમજ દાહોદ, ગોધરા, ઝાલોદ અને પંચમહાલ તરફના રૂટ પર દોડશે.
સુરતથી વતન જવા માટે વધારાની બસો સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. સૌરાષ્ટ્ર તરફની એક્સ્ટ્રા બસોનું સંચાલન વરાછા રોડ પર ધારૂકા કોલેજના મેદાનમાંથી કરવામાં આવશે. જ્યારે દાહોદ, ગોધરા, ઝાલોદ અને પંચમહાલ તરફની બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન સામે આવેલા સિટી સ્ટેન્ડ તેમજ રામનગર ખાતેથી કરવામાં આવશે.
એડવાન્સ બુકિંગ અને ગ્રુપ બુકિંગની સુવિધા
મુસાફરોને છેલ્લી ઘડીએ ટિકિટ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે નિગમ દ્વારા એડવાન્સ અને કરંટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુસાફરો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન, અડાલજ બસ સ્ટેશન, ઉધના બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેન્ડ, કડોદરા બસ સ્ટેશન સહિતના નિર્ધારિત બુકિંગ કેન્દ્રો પરથી ટિકિટ મેળવી શકશે. આ ઉપરાંત GSRTCની સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in, મોબાઇલ એપ અને અધિકૃત બુકિંગ એજન્ટો મારફતે પણ ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકાશે.
સમૂહમાં વતન જવા ઇચ્છતા મુસાફરો માટે આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવવાની સુવિધા પણ રાખવામાં આવી છે. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન તેમજ અડાલજ બસ પોર્ટ ખાતે આવેલા સુરત સિટી ડેપો પરથી ગ્રુપ બુકિંગ કરાવી શકાશે. ‘ST આપના દ્વારે’ સુવિધા હેઠળ આખી બસનું બુકિંગ કરાવનાર ગ્રુપને તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.
કીમ ચોકડીથી ભારતમાલા હાઈવે પર બસોનું સંચાલન
સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી વધારાની બસો કીમ ચોકડીથી ભારતમાલા હાઈવે મારફતે દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ગનો ઉપયોગ કરવાથી મુસાફરીનો સમય બચાવવામાં મદદ મળશે. દિવાળીના દિવસોમાં સુરતમાંથી મોટી સંખ્યામાં રત્નકલાકારો અને શ્રમિકો વતન તરફ રવાના થતા હોવાથી બસોનું સુવ્યવસ્થિત સંચાલન અને મુસાફરોની સુવિધા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
8થી 15 નવેમ્બર સુધી અમદાવાદ-વડોદરા રૂટ પર પણ વધારાની બસો
દિવાળી બાદ મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને 8થી 15 નવેમ્બર, એટલે કે લાભપાંચમ સુધી સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી અમદાવાદ અને વડોદરા તરફ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. આથી દિવાળી બાદ પરત ફરતા મુસાફરોને પણ પરિવહન સેવાનો લાભ મળી શકશે.
મુસાફરો બસના સમયપત્રક, બુકિંગ અને સંચાલન અંગે વધુ માહિતી મેળવવા માટે GSRTCની સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે. નિગમ દ્વારા પૂછપરછ માટે 24 કલાક કાર્યરત ટોલ-ફ્રી નંબર 1800 233 666666 પણ જાહેર કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવારોમાં મુસાફરો સુરક્ષિત રીતે પોતાના વતન સુધી પહોંચી શકે અને પરિવહન વ્યવસ્થા સુચારુ રહે તે માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.










