દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફટાકડાના વેચાણ માટે ઊભા કરાતા કામચલાઉ સ્ટોલ અંગે સુરક્ષાના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. હવે માર્ગો, સોસાયટીઓ અને મેદાનોમાં ઊભા કરાતા ફટાકડાના સ્ટોલમાં પતરા અથવા મેટલના શેડ ફરજિયાત રાખવાના રહેશે. કાપડ કે આગ ઝડપથી પકડી શકે તેવી સામગ્રીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે.
અમદાવાદ સહિતનાં શહેરોમાં ફટાકડાને લગતી આગની દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આગની સંભાવના ઘટાડવા માટે સ્ટોલમાં જરૂરી ફાયર સેફ્ટીનાં સાધનો રાખવા અને નિર્ધારિત સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરવું પણ ફરજિયાત રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફટાકડાના સ્ટોલને ફાયરબ્રિગેડની મંજૂરી મળ્યા બાદ જ પોલીસ દ્વારા લાઇસન્સ આપવામાં આવશે. સુરક્ષાના નિયમોનું યોગ્ય પાલન નહીં કરનારા સ્ટોલધારકોની અરજી મંજૂર કરવામાં નહીં આવે.
દિવાળીના સમયમાં રાજ્યભરમાં રસ્તાઓ, મેદાનો અને અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં કામચલાઉ ફટાકડાના સ્ટોલ ઊભા કરવામાં આવે છે. કેટલાક સ્ટોલધારકો જરૂરી મંજૂરી મેળવ્યા વિના અથવા સુરક્ષાનાં નિયમોનું પાલન કર્યા વિના વેપાર કરતા હોવાની ફરિયાદો પણ ઊઠતી હોય છે.
ખાસ કરીને રહેણાક, કોમર્શિયલ અને ગીચ વિસ્તારોમાં ફટાકડાના સ્ટોલમાં આગ લાગે તો જાનમાલને મોટું નુકસાન થઈ શકે છે. આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે મેટલ શેડ, ફાયર સેફ્ટીનાં સાધનો અને જરૂરી મંજૂરી સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.










