255 આરોગ્ય સુવિધાઓનું ઈ-લોકાર્પણ, 45 નવી કામગીરીઓનો પ્રારંભ; અમદાવાદમાં 521 બેડનું અત્યાધુનિક ન્યૂરોસાયન્સ સેન્ટર બનશે
અમદાવાદ: ગુજરાતમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 532 કરોડના આરોગ્યલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત રૂ. 185 કરોડના ખર્ચે તૈયાર થયેલી 255 આરોગ્ય સુવિધાઓનું ઈ-લોકાર્પણ કરાયું હતું, જ્યારે રૂ. 347 કરોડના ખર્ચે હાથ ધરાનારી 45 નવી કામગીરીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સારવારની સાથે રોગપ્રતિકાર અને આરોગ્ય જાગૃતિ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આયુષ્માન ભારત યોજના હેઠળ રાજ્યના 2.87 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યાં છે. તેના દ્વારા પાત્ર લાભાર્થીઓને રૂ. 10 લાખ સુધીની મફત સારવારનો લાભ મળી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2001-02માં ગુજરાતમાં માત્ર 8 મેડિકલ કોલેજો હતી, જેની સંખ્યા વર્ષ 2025-26માં વધીને 43 થઈ છે. એ જ રીતે, એમબીબીએસની બેઠકો પણ 1,375થી વધીને 7,525 થઈ છે.
અમદાવાદમાં રૂ. 223 કરોડનું ન્યૂરોસાયન્સ સેન્ટર બનશે
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રૂ. 223 કરોડના ખર્ચે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂરોસાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આશરે 58,831 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામનારા આ કેન્દ્રમાં કુલ 521 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં 288 જનરલ વોર્ડ બેડ, 160 આઈસીયુ બેડ, 57 સ્પેશિયલ અને સેમી-સ્પેશિયલ બેડ તથા 16 ટ્રાયેજ બેડનો સમાવેશ થાય છે.
આ કેન્દ્રમાં 13 અદ્યતન ઓપરેશન થિયેટર ઉપરાંત ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, ઇમરજન્સી રેડિયોલોજી, આધુનિક પ્રયોગશાળા, બ્લડ બેંક અને ન્યુરો-રિહેબિલિટેશન સેન્ટર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અહીં સ્ટ્રોક, બ્રેઇન ટ્યુમર, મગજ અને કરોડરજ્જુની જટિલ બીમારીઓ તેમજ અકસ્માતને કારણે થતી ન્યુરોલોજિકલ ઇજાઓની સારવાર ઉપલબ્ધ થશે. આ કેન્દ્ર ગુજરાત ઉપરાંત આસપાસનાં રાજ્યોના દર્દીઓ માટે પણ ઉપયોગી બનશે.
નવી મેડિસિટી અને સ્પાઇન હોસ્પિટલનું આયોજન
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજકોટમાં એઈમ્સ કાર્યરત થઈ છે, જ્યારે જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન આકાર લઈ રહ્યું છે. અમદાવાદની જેમ વસઈ અને કામરેજ ખાતે પણ અંદાજે રૂ. 3,000 કરોડના ખર્ચે નવી મેડિસિટી વિકસાવવાનું આયોજન છે. આ ઉપરાંત ગાંધીનગર અને સુરતમાં કાર્ડિયોલોજી તથા ન્યુરોલોજીની સેવાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં નિર્માણ પામનાર ન્યૂરોસાયન્સ સેન્ટર જટિલ ન્યુરોલોજિકલ બીમારીઓની સારવાર માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આગામી સમયમાં આ જ સંકુલમાં સ્પાઇન હોસ્પિટલ બનાવવાનું પણ આયોજન છે. તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને અદ્યતન સારવાર માટે અન્ય સ્થળોએ જવાની જરૂરિયાત ઘટશે.
આ પ્રકલ્પોથી રાજ્યમાં આધુનિક આરોગ્ય સુવિધાઓ મજબૂત બનવાની અને ગંભીર બીમારીઓની સારવાર વધુ સુલભ થવાની અપેક્ષા છે.










