બપોરે 1:59થી 2:10 દરમિયાન 2.4, 2.9 અને 1.7ની તીવ્રતાના આંચકા અનુભવાયા; કેન્દ્રબિંદુ તાલાળાથી ઉત્તર-પૂર્વમાં 11 કિમી દૂર નોંધાયું
રાજકોટ: ગીર-સોમનાથ જિલ્લાના તાલાળા પંથકમાં આજે બપોરે માત્ર 11 મિનિટના અંતરમાં ભૂકંપના ત્રણ આંચકા નોંધાતાં સ્થાનિક લોકોમાં ફરી ગભરાટ ફેલાયો હતો. બપોરે 1:59 કલાકે 2.4ની તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયો હતો. ત્યારબાદ 2.9ની તીવ્રતાનો બીજો અને 1.7ની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાળાથી ઉત્તર-પૂર્વ દિશામાં આશરે 11 કિલોમીટર દૂર નોંધાયું હતું. પંથકમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોવાથી સ્થાનિક સ્તરે પણ ભૂકંપ માપક યંત્રો ગોઠવવામાં આવ્યાં છે. આજે એક બાદ એક આવેલા આંચકાઓને કારણે લોકોમાં ચિંતા જોવા મળી હતી.
જોકે, આંચકાઓની તીવ્રતા ઓછી હોવાથી જાનમાલને નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા નથી. વારંવાર નોંધાતા આવા આંચકાઓને પગલે સ્થાનિક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.










