રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે અખિલ ભારતીય કોળી સમાજ અને સમસ્ત કોળી-ઠાકોર એકતા સમિતિ, ગુજરાત દ્વારા કોળી-ઠાકોર સમાજની ચિંતન શિબિર અને કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં સમાજ પર થતા અન્યાય અને અત્યાચાર અટકાવવા, ખોટા પોલીસ કેસ પરત ખેંચવા, નિગમના માધ્યમથી સમાજના લોકોને સરળતાથી લોન મળી રહે અને દરેક જિલ્લા મથકે સમાજનું શૈક્ષણિક ભવન બનાવવામાં આવે તેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવા તેમજ યુવાનોને શિક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરવા અંગે ચિંતન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય કોળી સમાજ, નવી દિલ્હી, ગુજરાત પ્રદેશના પ્રમુખ મુકેશભાઈ રાજપરા તથા સમસ્ત કોળી-ઠાકોર એકતા સમિતિ, ગુજરાતના મુખ્ય કન્વીનર અજમલજી ઠાકોરની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.










