ત્રણ વાહનોમાં દારૂનું કટિંગ ચાલતું હોવાની બાતમીના આધારે દરોડો; 414 પેટી અને 4,986 બોટલ દારૂ કબજે
ગોંડલ: રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં વિદેશી દારૂના કટિંગ દરમિયાન દરોડો પાડી રૂ. 55,89,336નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉર્જ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-1માં શ્યામ સ્પાઇસ કારખાનાની બાજુમાં આવેલી અવાવરી જગ્યાએ ત્રણ વાહનોમાં દારૂ ઉતારીને કટિંગ કરવામાં આવતું હોવાની બાતમી મળતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
બાતમી મળતાં જ પોલીસની કાર્યવાહી
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેના આધારે રાજકોટ ગ્રામ્ય LCBના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવની ટીમ ગોંડલ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
આ દરમિયાન ચોરડી ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો ત્રણ અલગ-અલગ વાહનોમાં ઉતારીને તેનું કટિંગ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી. LCBની ટીમે સ્થળ પર દરોડો પાડતાં દારૂનો મોટો જથ્થો અને વાહનો મળી આવ્યાં હતાં.
દારૂની 414 પેટી સહિત ત્રણ વાહનો કબજે
પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 414 પેટી, જેમાં કુલ 4,986 બોટલો હતી, તે જપ્ત કરી હતી. દારૂની કિંમત રૂ. 35.79 લાખથી વધુ આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત બે માલવાહક વાહનો, એક ટોયોટા અર્બન ક્રૂઝર કાર અને બે મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં દારૂની કિંમત રૂ. 35,79,336, આઇસર પ્રો વાહનની કિંમત રૂ. 10 લાખ, અશોક લેલન દોસ્ત ગાડીની કિંમત રૂ. 5 લાખ, ટોયોટા અર્બન ક્રૂઝર કારની કિંમત રૂ. 5 લાખ અને બે મોબાઇલ ફોનની કિંમત રૂ. 10 હજારનો સમાવેશ થાય છે. આમ, કુલ રૂ. 55,89,336નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
સોહિલ મડમ સહિતના લોકો સામે ગુનો
આ કેસમાં દારૂ મંગાવીને કટિંગ કરાવનાર હોવાના આક્ષેપ હેઠળ ચોરડીના સોહિલ સલીમભાઈ મડમ તેમજ વાહનોના ચાલકો અને માલિકો તથા દારૂ મોકલનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર નેટવર્ક અને દારૂના જથ્થાના સ્ત્રોત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
LCBની ટીમે પાર પાડી કામગીરી
આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય LCBના PI જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ PSI એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ, ASI બાલકૃષ્ણભાઈ ત્રિવેદી સહિત LCBના અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કરી હતી. આ દરોડાથી ગોંડલ વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે.










