જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વધુ ખેલાડીઓને જોડવા રાજ્ય સરકારનું વિશેષ આયોજન
ગાંધીનગર: વર્ષ 2030માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાતે તૈયારીઓ તેજ કરી દીધી છે. ગ્લાસ્ગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સના સમાપન બાદ કોમનવેલ્થ બેટન અને ફ્લેગ લઈને પરત ફરેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોમનવેલ્થ ફ્લેગ અર્પણ કર્યો હતો.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 2030ના રમતોત્સવના સફળ આયોજન માટે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધી રહી છે. રાજ્ય અને દેશના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે.
તેમણે જણાવ્યું કે, **કોમનવેલ્થ ફેડરેશન, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA), સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)**ના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગ્લાસ્ગો 2026 કોમનવેલ્થ ગેમ્સના ક્લોઝિંગ સેરેમની અને ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ બાદ ગ્લાસ્ગો ડેલિગેશન તેમજ ગુજરાતના એથ્લીટ્સ અને પેરા-એથ્લીટ્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોમનવેલ્થ ફ્લેગ સોંપવામાં આવ્યો હતો.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં રમતગમતનું વાતાવરણ વધુ મજબૂત બનાવવા માટે આગામી સમયમાં તમામ જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વધુને વધુ ખેલાડીઓને જોડવામાં આવશે. ખેલાડીઓને તાલીમ, સુવિધાઓ અને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે રાજ્ય સરકાર નવી યોજનાઓ પર ઝડપથી કામગીરી કરી રહી છે.
2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં રમતગમત ક્ષેત્રને નવી દિશા આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.










