ગુજરાતમાં સિવિલ એવિએશન ક્ષેત્રે વિકસતા માળખા અને ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓના વિસ્તરણને કારણે રાજ્ય કોમર્શિયલ પાયલટ તાલીમ માટે દેશના અગ્રણી કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા એવિએશન ક્ષેત્રને વેગ આપવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન (FTO) કાર્યરત છે, જ્યારે આગામી સમયમાં વધુ પાંચ સંસ્થાઓ શરૂ થવાની છે. આ તમામ સંસ્થાઓ કાર્યરત થતાં રાજ્યમાં કુલ 10 ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓનું નેટવર્ક ઊભું થશે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓ દ્વારા 5,200થી વધુ વિદ્યાર્થીઓને એવિએશન ક્ષેત્રની તાલીમ આપવામાં આવી છે. તેમાંથી 3,200થી વધુ તાલીમાર્થીઓ કોમર્શિયલ પાયલટ લાઇસન્સ (CPL) મેળવી ચૂક્યા છે. હાલમાં રાજ્યની વિવિધ સંસ્થાઓમાં 200થી વધુ ભાવિ પાયલટોને તાલીમ આપવામાં આવી રહી છે. આ આંકડા ગુજરાતમાં પાયલટ તાલીમ ક્ષેત્રે વિકસતી ક્ષમતા અને એવિએશન ક્ષેત્રે રાજ્યની વધતી ભૂમિકાને દર્શાવે છે.
મહેસાણા, અમરેલી અને ભાવનગરમાં તાલીમનું માળખું
હાલમાં કાર્યરત પાંચ ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓમાંથી ચાર રાજ્ય માલિકીની મહેસાણા અને અમરેલી એરસ્ટ્રિપ પર કાર્યરત છે, જ્યારે એક સંસ્થા ભાવનગર એરપોર્ટ ખાતે કાર્યરત છે. મહેસાણામાં સ્કાયનેક્સ એરો પ્રા. લિ. અને બ્લૂ રે એવિએશન પ્રા. લિ., અમરેલીમાં વિઝન ફ્લાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત ફ્લાઇંગ ક્લબ તથા ભાવનગરમાં દુનેસ એવિએશન પ્રા. લિ. પાયલટ તાલીમની કામગીરી કરી રહી છે.
રાજ્યના સિવિલ એવિએશન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ ફ્લાઇંગ ટ્રેનિંગ ક્ષેત્રનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત રાજ્ય માલિકીનાં એરપોર્ટ અને એરસ્ટ્રિપ પર આશરે 1,500 ચોરસ મીટર જમીન પારદર્શક બિડિંગ પ્રક્રિયા દ્વારા પાત્ર ઓપરેટરોને ફાળવવામાં આવી છે. આ વ્યવસ્થાથી ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાની અને પાયલટ તાલીમ માટેનું માળખું વધુ મજબૂત બનાવવાની દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે.
આગામી વર્ષોમાં પાયલટની માંગ વધવાની સંભાવના
દેશમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વધારો, પ્રાદેશિક હવાઈ જોડાણનું વિસ્તરણ અને એરલાઇન્સ દ્વારા નવા વિમાનોની ખરીદીને કારણે આગામી વર્ષોમાં કોમર્શિયલ પાયલટની માંગ વધવાની શક્યતા છે. ભારતીય એરલાઇન્સ દ્વારા આશરે 1,700 નવા વિમાનોના ઓર્ડર આપવામાં આવ્યા છે. આ વિસ્તરણને ધ્યાનમાં રાખીને આગામી વર્ષોમાં 25,000થી 30,000 કોમર્શિયલ પાયલટની જરૂરિયાત ઊભી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આવી સ્થિતિમાં પાયલટ તાલીમ માટે પૂરતી સંસ્થાઓ, આધુનિક સુવિધાઓ અને તાલીમની ક્ષમતા વિકસાવવી જરૂરી બનશે. ગુજરાતમાં નવી ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓ શરૂ થવાથી ભાવિ પાયલટોને તાલીમ મેળવવાની વધુ તકો મળી શકે છે. સાથે જ દેશના એવિએશન ક્ષેત્રની વધતી જરૂરિયાતોને પહોંચી વળવામાં પણ રાજ્ય યોગદાન આપી શકશે.
અનુકૂળ હવામાન અને માળખાકીય સુવિધાઓ ગુજરાતની તાકાત
ફ્લાઇંગ ટ્રેનિંગ ક્ષેત્રે ગુજરાતને અનેક અનુકૂળ પરિબળોનો લાભ મળે છે. રાજ્યમાં વર્ષના મોટા ભાગના સમયગાળામાં ઉડાન તાલીમ માટે અનુકૂળ હવામાન, એરપોર્ટ અને એરસ્ટ્રિપનું નેટવર્ક, રાજ્ય માલિકીનું એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂત ઔદ્યોગિક તથા લોજિસ્ટિક્સ ક્ષેત્ર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઉત્તમ માર્ગ જોડાણ અને રોકાણને પ્રોત્સાહન આપતી નીતિઓને કારણે પણ એવિએશન ક્ષેત્રમાં વિકાસની સંભાવનાઓ વધી રહી છે.
ગુજરાત ફ્લાઇંગ ક્લબનું પણ રાજ્યના એવિએશન ક્ષેત્રમાં વિશેષ સ્થાન છે. વર્ષ 1958માં વડોદરા એરપોર્ટ ખાતે સ્થાપિત આ સંસ્થા દેશની લાંબા સમયથી કાર્યરત DGCA માન્ય ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓમાંની એક છે. સંસ્થાએ વર્ષોથી પાયલટ તાલીમ ક્ષેત્રે યોગદાન આપ્યું છે.
પાયલટ તાલીમની સાથે રોજગારીની નવી તકો
ગુજરાતમાં ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓના વિસ્તરણથી માત્ર પાયલટ બનવા ઇચ્છતા યુવાનોને જ નહીં, પરંતુ એવિએશન સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયોને પણ લાભ મળવાની શક્યતા છે. ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર, એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર, ફ્લાઇટ ડિસ્પેચર, ફ્લાઇટ ઓપરેશન્સ, એવિએશન સેફ્ટી અને ગ્રાઉન્ડ સપોર્ટ જેવા ક્ષેત્રોમાં રોજગારીની તકો ઊભી થઈ શકે છે.
આમ, ગુજરાતમાં ફ્લાઇંગ ટ્રેનિંગ સંસ્થાઓની સંખ્યા પાંચથી વધારીને 10 કરવાની યોજના રાજ્યના સિવિલ એવિએશન ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ પગલું બની શકે છે. અનુકૂળ હવામાન, વિકસતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીના આધારે ગુજરાત કોમર્શિયલ પાયલટ તાલીમ માટે રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.










