દ્વારકાધીશનાં દર્શન કરીને ભાભર જઈ રહેલા પરિવારની કાર ટ્રક સાથે અથડાઈ, ગોચનાદ ગામ નજીક કરુણાંતિકા
પાટણ જિલ્લાના રાધનપુર-સમી હાઈવે પર ગોચનાદ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં સોની પરિવારના બે સભ્યોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ, રાજસ્થાનમાં સ્થાયી થયેલો સોની પરિવાર ગુજરાતના પ્રવાસે આવ્યો હતો. દ્વારકાધીશનાં દર્શન કર્યા બાદ પરિવાર ભાભર ખાતે રહેતી પોતાની દીકરીને મળવા કારમાં જઈ રહ્યો હતો. દરમિયાન ગોચનાદ ગામ નજીક સામેથી આવી રહેલી ટ્રક સાથે કારની જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્મતમાં કારમાં સવાર બે સભ્યોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સમીની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.










