ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 60 હજાર લોકોની સિવિલ ડિફેન્સ ફોર્સ તૈયાર કરાશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાત સહિત દેશનાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 60 હજાર નાગરિકોને સામેલ કરીને મજબૂત સિવિલ ડિફેન્સ ફોર્સ ઊભી કરવાની તૈયારી હાથ ધરી છે. આ દળના સભ્યોને લશ્કરી પદ્ધતિની તાલીમ આપવામાં આવશે, જેથી કટોકટી કે અણધારી પરિસ્થિતિમાં તેઓ સ્થાનિક સ્તરે સુરક્ષા અને બચાવ કામગીરીમાં મદદરૂપ બની શકે.
આ યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં પસંદ કરાયેલા નાગરિકોને ત્રણ દિવસની તાલીમ આપવાનું આયોજન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં આધુનિક સાધનો અને ટેકનોલોજીથી સજ્જ તેમજ કટોકટીના સમયે તાત્કાલિક પ્રતિસાદ આપી શકે તેવું મજબૂત સિવિલ ડિફેન્સ માળખું ઊભું કરવાની જાહેરાત કરી હતી.
આ તાલીમ માટે સૈન્યની મદદ પણ લેવામાં આવશે. ડાયરેક્ટર જનરલ ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ તથા કેન્દ્રીય ગૃહ મંત્રાલય સંયુક્ત રીતે કામગીરી કરશે. દરેક રાજ્યમાં 50 માસ્ટર ટ્રેનર દ્વારા 600 લોકોને તાલીમ આપવાની યોજના છે. આ કાર્યક્રમ નવેમ્બરના બીજા સપ્તાહથી શરૂ થવાની શક્યતા છે.
પ્રથમ તબક્કામાં ગુજરાત ઉપરાંત જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, દિલ્હી, મેઘાલય, સિક્કિમ, આસામ, ઉત્તર પ્રદેશ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દળોનો મુખ્ય ઉદ્દેશ્ય અણધારી ધમકી કે કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરીમાં મદદ કરવાનો છે.










