દિવાળીના તહેવારો પહેલાં SOGના દરોડા : સોયાબીન તેલ અને કેમિકલથી ઘી બનાવાતું હોવાની આશંકા, નમૂનાઓ તપાસ માટે મોકલાયા
દિવાળીના તહેવારો નજીક આવતાં જ જૂનાગઢમાં નકલી ઘીના કથિત કૌભાંડનો SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી દુકાન નં. 15, ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા દરમિયાન આશરે 600 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, સોયાબીન તેલ સહિતના ઘટકો અને કૃત્રિમ ફ્લેવરનો ઉપયોગ કરીને ‘બ્રજ મટુકી’ અને ‘કેશવ’ જેવી બ્રાન્ડના નામે ઘી વેચવામાં આવતું હોવાની આશંકા છે.
મળતી માહિતી અનુસાર, કમલેશ સોઢા નામનો શખ્સ દિવેલાના વેપારની આડમાં છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતો હોવાનો આક્ષેપ છે. પોલીસના દરોડા દરમિયાન સ્થળ પરથી શંકાસ્પદ ઘી ઉપરાંત વિવિધ જાણીતી બ્રાન્ડનાં ડબ્બા, કંપનીઓના લોગોવાળા હોવાનું જણાતાં સ્ટીકરો અને ઘીની સુગંધ આપતાં એસેન્સની બોટલો મળી આવી હતી.
તેલ અને કૃત્રિમ ફ્લેવરથી ઘી બનાવાતું હોવાની આશંકા
પ્રાથમિક માહિતી મુજબ, મોટા વાસણોમાં સોયાબીન તેલ, દિવેલાનું તેલ, કૃત્રિમ ઘી ફ્લેવર અને અન્ય રસાયણો ભેળવી શંકાસ્પદ ઘી તૈયાર કરવામાં આવતું હોવાની આશંકા છે. આ જથ્થો પ્રતિ કિલો આશરે ₹600ના ભાવે શુદ્ધ ગીર ગાયના ઘી તરીકે વેચાતો હોવાનો પણ આક્ષેપ છે. જોકે, ઘીની વાસ્તવિક ગુણવત્તા અને તેમાં ભેળવાયેલા ઘટકો અંગેનો અંતિમ ખુલાસો લેબોરેટરીના અહેવાલ બાદ થશે.
નમૂનાઓ સરકારી લેબોરેટરીમાં મોકલાયા
ફૂડ વિભાગના અધિકારી ચિંતન ત્રિવેદીના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી મળી આવેલા શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા નમૂનાઓને વૈજ્ઞાનિક પરીક્ષણ માટે વડોદરાની સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તપાસના પરિણામોના આધારે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઈઓ અને અન્ય વાનગીઓમાં ઘીની માંગ વધતી હોય છે. આવા સમયે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાતાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને લોકોના આરોગ્ય અંગે ચિંતા ઊભી થઈ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.










