‘સરદાર પટેલનો ત્યાગ દેશવાસીઓ માટે સૌથી મોટી પ્રેરણા’ : રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતાનગરમાં 31 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
એકતાનગર : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સમક્ષ નતમસ્તક થઈ સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાને સરદાર પટેલના દેશ પ્રત્યેના ત્યાગ અને સમર્પણને દેશવાસીઓ માટે સૌથી મોટી પ્રેરણા ગણાવ્યા હતા.
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે એકતાનગર પહોંચ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય એકતા અને સરદાર પટેલના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
રૂ. 426.71 કરોડનાં 31 વિકાસકાર્યોનું લોકાર્પણ
રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એકતાનગર ખાતે રૂ. 426.71 કરોડથી વધુના ખર્ચનાં પ્રવાસન અને માળખાકીય સુવિધાઓ સંબંધિત કુલ 31 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ્સથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રવાસીઓ માટે નવી સુવિધાઓ અને આકર્ષણો ઉમેરાશે.
લોકાર્પણ કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં રૂ. 50 કરોડના ખર્ચે તૈયાર થયેલી IRCTC હોટલ, રૂ. 16 કરોડની નવી એકતા ક્રૂઝ, રૂ. 14.30 કરોડનો રેઇન ફોરેસ્ટ અને રૂ. 3.67 કરોડની ઇકો-ટ્રેઇલનો સમાવેશ થાય છે. આ સુવિધાઓથી એકતાનગરના પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળવાની અપેક્ષા છે.
પાણી, રસ્તા અને પરિવહન સુવિધાઓને પણ મળશે વેગ
એકતાનગરમાં પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓની સુવિધા માટે અનેક માળખાકીય પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવ્યા છે. તેમાં રૂ. 45.53 કરોડનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂ. 21.40 કરોડનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રૂ. 23.81 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા પરેડ ટ્રેક તથા સંબંધિત કામોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રૂ. 28.22 કરોડના ટ્રાવેલેટર્સ અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવા રૂ. 23 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 24 મીટર કોલોની રોડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એકતાનગરના કર્મચારીઓ માટે રૂ. 14.25 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સ્ટાફ ક્વાર્ટર્સ પણ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
પ્રવાસીઓ માટે નવી સુવિધાઓ અને આકર્ષણો
અન્ય લોકાર્પણ કાર્યોમાં CISF બેરેક, મોખડી ગામ નજીક ટર્મિનલ બિલ્ડિંગ અને જેટ્ટી, વિવિધ સ્થળોએ વોટર સ્ટેશન્સ તથા રેલવે સ્ટેશનથી વિઝિટર સેન્ટર સુધી વોક-વેનું વિસ્તરણ સામેલ છે.
આ ઉપરાંત આકર્ષક ફુવારા, ગોરા બ્રિજના ઢોળાવનું જીઓસેલ ટેક્નોલોજીથી લેન્ડસ્કેપિંગ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ગેટ નંબર-8 પાસેનો રોડ, શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું વિસ્તરણ અને સૌંદર્યકરણ તથા સમગ્ર કેમ્પસમાં ફસાડ લાઇટિંગનાં કામો પણ પૂર્ણ કરવામાં આવ્યાં છે.
‘એકતા પ્રકાશ પર્વ’ અને યુનિટી ગ્લો ગાર્ડનનું અપગ્રેડેશન પણ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓની અવરજવર સરળ બનાવવા બે નવી 9 મીટર લાંબી એરકન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી છે. એકતાનગરનાં વિવિધ સ્થળોએ શિલ્પો અને સ્થાપત્યો પણ સ્થાપિત કરવામાં આવ્યાં છે.
રૂ. 118.88 કરોડનાં આઠ નવા કામોનું ખાતમુહૂર્ત
લોકાર્પણની સાથે વડાપ્રધાનના હસ્તે રૂ. 118.88 કરોડના ખર્ચે હાથ ધરાનારા આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. તેમાં રૂ. 59.32 કરોડના ખર્ચે ગોરા-ભાણદ્રા રોડ અને રૂ. 7.72 કરોડના ખર્ચે ખલવાણી બ્રિજના વિકાસકાર્યનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રૂ. 5.79 કરોડના ખર્ચે કેક્ટસ અને બટરફ્લાય ગાર્ડનનો સંકલિત વિકાસ કરવામાં આવશે. માંડવા ફળિયાથી રિવર રાફ્ટિંગ પોઇન્ટ અને સોલિડ વેસ્ટ સાઇટ સુધીનો માર્ગ વધુ સુગમ બનાવવા વાઘડિયા રોડનું વિસ્તરણ પણ હાથ ધરાશે.
સરદાર સરોવર ડેમની સુરક્ષા અને આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી કામગીરી સુનિશ્ચિત કરવા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનું નિર્માણ પણ આ વિકાસકાર્યોમાં સામેલ છે. આ તમામ પ્રોજેક્ટ્સથી એકતાનગરમાં પ્રવાસન, પરિવહન, પાણી વ્યવસ્થા અને સુરક્ષાને લગતી સુવિધાઓ વધુ મજબૂત બનવાની અપેક્ષા છે.










