ખોજા નાકા અને કાલાવડ નાકા વિસ્તારમાં કેટરર્સ, હોટલો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ; ચિકન, ગ્રેવી અને બિરયાની સહિતના 120 કિલોથી વધુ ખાદ્યપદાર્થોનો નાશ
જામનગર: શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ખોજા નાકા અને કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી કેટરર્સ, નોનવેજ હોટલો અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. 30 ઓક્ટોબરના રોજ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કલરયુક્ત અને અખાદ્ય જણાતા ચિકન, ગ્રેવી, બિરયાની સહિતના ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટીના નિયમોના ભંગ અને લાઇસન્સના અભાવ બદલ એક પેઢીને સીલ કરવામાં આવી હતી, જ્યારે જરૂરી સ્વચ્છતાના સુધારા ન થાય ત્યાં સુધી અન્ય ત્રણ પેઢીઓ બંધ કરાવવામાં આવી હતી.
અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી
મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આરોગ્ય અધિકારી એમ.એચ. ગોરી અને નાયબ કમિશનર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ ડેઝિગ્નેટેડ ઓફિસર તથા સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.
નીશ્બા કેટરર્સમાંથી 39 કિલો જથ્થાનો નાશ
ખોજા નાકા બહાર આવેલી નીશ્બા કેટરર્સમાં તપાસ દરમિયાન બે કિલો સેઝવાન સોસ, બે કિલો નોનવેજ, 15 કિલો ગ્રેવી અને 20 કિલો બિરયાની મળી કુલ 39 કિલો કલરયુક્ત અને અખાદ્ય જણાતો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગે આ તમામ ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કર્યો હતો. સાથે જ આગળનો આદેશ ન થાય ત્યાં સુધી પેઢી બંધ કરાવવામાં આવી હતી.
આ જ વિસ્તારમાં આવેલી હિન્દુસ્તાન નોનવેજમાં સ્વચ્છતાની સ્થિતિ સુધારવા માટે રોજકામ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
હુશેની ચિકન પેઢીને સીલ કરાઈ
કાલાવડ નાકા બહાર આવેલી હુશેની ચિકન પેઢીમાં તપાસ દરમિયાન ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ અને ફૂડ લાઇસન્સ ન હોવાનું સામે આવતાં ફૂડ વિભાગે પેઢીને સીલ કરી દીધી હતી.
જ્યારે અજમેરી ચિકન રેસ્ટોરન્ટમાંથી વધુ પડતા કલરવાળો 60 કિલો ખાદ્યપદાર્થનો જથ્થો મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો. જરૂરી સ્વચ્છતાના સુધારા ન થાય ત્યાં સુધી આ રેસ્ટોરન્ટ પણ બંધ કરાવવામાં આવી હતી.
અન્ય રેસ્ટોરન્ટમાંથી પણ અખાદ્ય જથ્થાનો નાશ
ફૂડ વિભાગની તપાસ દરમિયાન નાઈસ સીખ કોર્નરમાંથી આઠ કિલો કલરયુક્ત જણાતો ખાદ્યપદાર્થનો જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ પેઢીમાંથી નમૂનો લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. જરૂરી સુધારા ન થાય ત્યાં સુધી પેઢી બંધ રાખવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત સ્ટાર પરફેક્ટ અહેમદાબાદીમાંથી પાંચ કિલો અખાદ્ય જણાતો નોનવેજનો નાશ કરવામાં આવ્યો હતો. પરફેક્ટ મુંબઈ સ્ટાઈલ કોલસા શાવરમામાંથી પણ નમૂના લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.
આગામી દિવસોમાં પણ ચેકિંગ ચાલુ રહેશે
જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરના બે વિસ્તારોમાં હાથ ધરેલી આ કાર્યવાહીમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ લાઇસન્સની ચકાસણી કરવામાં આવી હતી. જ્યાં નિયમોનો ભંગ જોવા મળ્યો ત્યાં અખાદ્ય જણાતા ખોરાકનો નાશ કરવા ઉપરાંત પેઢીઓને સીલ કરવાની અને કામચલાઉ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આગામી દિવસોમાં પણ હોટલો, રેસ્ટોરન્ટ અને કેટરર્સમાં ચેકિંગ તથા નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું છે.










