14 વર્ષ બાદ સૌરાષ્ટ્રને અલવિદા; હવે છત્તીસગઢ તરફથી રમશે, રાજકોટને બદલે રાયપુર બનશે હોમગ્રાઉન્ડ
રાજકોટ, તા. 8: સૌરાષ્ટ્રના અનુભવી ઓલરાઉન્ડર અને રણજી ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ ધરાવતા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સૌરાષ્ટ્રની ટીમ છોડી દીધી છે. હવે તેઓ આગામી સિઝનમાં છત્તીસગઢ તરફથી ક્રિકેટ રમશે.
ધર્મેન્દ્રસિંહ છેલ્લા 14 વર્ષથી સૌરાષ્ટ્રની રણજી ટીમનો હિસ્સો રહ્યા છે. ગત રણજી સિઝનમાં તેઓ સૌરાષ્ટ્ર માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર રહ્યા હતા. છેલ્લા સાત વર્ષમાં પણ તેમના નામે 93 વિકેટ નોંધાઈ છે.
તેમની વિદાય પાછળ ટીમ મેનેજમેન્ટના નિર્ણયને લઈને ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને વ્હાઇટ બોલ ક્રિકેટમાં હવે તેમના માટે સ્થાન નહીં હોવાની વાત સામે આવ્યા બાદ તેમણે છત્તીસગઢની ઓફર સ્વીકારી હોવાની ચર્ચા છે.
સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્રસિંહે 100 રણજી, 90 વન-ડે અને 75 T20 મેચો રમ્યા હોવાનું જણાવાય છે. ટીમની અગાઉની સફળતાઓમાં પણ તેમના યોગદાનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઉંમરનો મુદ્દો પણ ચર્ચામાં
ધર્મેન્દ્રસિંહની ઉંમર હાલમાં 35 વર્ષ છે. જો ઉંમરને કારણે તેમને ટીમમાં સ્થાન ન મળ્યું હોવાનો તર્ક માનવામાં આવે તો ક્રિકેટ જગતમાં સવાલો ઉઠી રહ્યા છે કે તેમના કરતાં મોટી ઉંમરના કેટલાક ખેલાડીઓ હજુ વિવિધ ફોર્મેટમાં રમે છે.
આ કારણે ધર્મેન્દ્રસિંહ જાડેજાને જ ટીમમાંથી બહાર થવું પડ્યું તે મુદ્દે ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. જોકે, તેમના ટીમ છોડવાના ચોક્કસ કારણ અંગે સત્તાવાર રીતે સ્પષ્ટતા સામે આવી નથી.
ધર્મેન્દ્રસિંહની વિદાયથી સૌરાષ્ટ્રની ટીમને અનુભવી બોલિંગ ઓલરાઉન્ડરની ખોટ વર્તાઈ શકે છે.










