Metatrader5 એપથી શેરબજારના ભાવ પર સટ્ટો રમાડાતો હોવાનો ખુલાસો; રૂ.1.11 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર: શહેરના જીનતાન રોડ પર આવેલી નૂતનનગર સોસાયટીમાં પોલીસે દરોડો પાડી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગના કથિત જુગારનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહીમાં 5 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ Metatrader5 એપ્લિકેશન મારફતે શેરબજારના ભાવની વધઘટ પર ગેરકાયદેસર સોદા લગાવી જુગાર રમાડતા હતા.
દરોડા દરમિયાન પોલીસે રૂ.86,600 રોકડા, બે મોબાઇલ અને એક લેપટોપ સહિત કુલ રૂ.1,11,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પકડાયેલા આરોપીઓમાં હર્ષ ઉર્ફે રિંકુ હેમેન્દ્રભાઈ શાહ, શૈલેષ રમણીકલાલ શાહ, અક્ષય કિરણ દફતરી, યતીન રજનીકાંત શાહ અને રિતેશ ભરત શાહનો સમાવેશ થાય છે.
પોલીસે મોબાઇલ, લેપટોપ અને અન્ય દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન સામે આવેલા અન્ય નામો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે કેટલાક આરોપીઓ હજુ ફરાર છે.
પોલીસ ડિજિટલ પુરાવા અને નાણાકીય વ્યવહારોના આધારે સમગ્ર કથિત નેટવર્કની તપાસ કરી રહી છે. આ મામલે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.










