ભાવનગર જિલ્લાના ખારકડી ગામમાં શંકાસ્પદ ઝેરી દારૂના સેવનથી સર્જાયેલી દુર્ઘટનાને લઈને એડવોકેટ નિતીન ટી. ગાંધી દ્વારા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ ગંભીર રજૂઆત કરવામાં આવી છે. ઘટનામાં અનેક લોકોનાં મોત થયા હોવાના અહેવાલ વચ્ચે કેટલાક લોકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
પ્રાથમિક માહિતી મુજબ, દારૂમાં અત્યંત ઝેરી મિથેનોલ ભેળવાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મિથેનોલના સેવનથી અંધાપો, આંતરિક અંગોને ગંભીર નુકસાન અને મૃત્યુ જેવી ગંભીર અસર થઈ શકે છે. સમગ્ર મામલામાં માત્ર ગેરકાયદેસર દારૂના વેચાણનો મુદ્દો નહીં પરંતુ સંગઠિત સપ્લાય ચેઈન, આંતરરાજ્ય કનેક્શન તથા મોટા પાયે ઉત્પાદન અને વેચાણનું રેકેટ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
નિવૃત્ત જજની આગેવાની હેઠળ તપાસની માંગ
આ સમગ્ર ઘટનાની તપાસ માટે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ સ્વતંત્ર ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ રચવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ફોરેન્સિક અને વૈજ્ઞાનિક પુરાવાઓનું યોગ્ય રીતે જતન કરવામાં આવે અને જો કોઈ અધિકારીની બેદરકારી કે સંડોવણી બહાર આવે તો તેની સામે કડક શિસ્તભંગ તેમજ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.
મૃતકોના પરિવારજનોને વળતર અને ઘાયલોને સારવાર
રજૂઆતમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને યોગ્ય વળતર તથા પીડિતોના પુનર્વસનની માંગ કરવામાં આવી છે. ગંભીર રીતે ઘાયલ લોકોને નિઃશુલ્ક અને પૂરતી તબીબી સારવાર મળે તે માટે રાજ્ય સરકારને જરૂરી નિર્દેશ આપવા પણ વિનંતી કરાઈ છે.
આ ઉપરાંત ભવિષ્યમાં આવી ઝેરી દારૂની દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કડક નિવારક પગલાં લેવામાં આવે અને સમગ્ર તપાસ ન્યાયિક દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.










