દસાડા-વડગામ રોડ પર તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયા, 6 ફરાર
પાટડી ડિવિઝન વિસ્તારમાં નર્મદા કેનાલની ધાર નજીક ચાલતા જુગારધામ પર પોલીસે મોડી રાત્રે ઓચિંતો દરોડો પાડી બે શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે અંધારાનો લાભ લઈને અન્ય છ શખ્સો ફરાર થઈ ગયા હતા.
પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પાટડી ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષકની ટીમે દસાડા-વડગામ રોડ પર આવેલા કોયલ માતાના મંદિર નજીક કાર્યવાહી કરી હતી. અહીં જાહેર જગ્યામાં મોબાઇલની લાઇટના અજવાળે ગોળ કુંડાળું વળી રોકડની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમાતો હોવાનું પોલીસને મળ્યું હતું.
પોલીસે સ્થળ પરથી રહીમભાઈ મહેબુબભાઈ સીપાઈ (ઉં.વ. 40) અને ઇરફાનશા મહેબુબશા દિવાન (ઉં.વ. 20) બંને રહે. દસાડાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રોકડા રૂ.11,650, ગંજીપાના અને બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
રૂ.3.51 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન જુગારના સાહિત્ય ઉપરાંત બે મારુતિ ઈકો કાર અને એક સ્પ્લેન્ડર મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ.3,51,650નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દરોડા સમયે પોલીસને જોઈને નાસભાગ મચી હતી અને છ શખ્સો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરાર આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










