નવી દિલ્હી: GST વ્યવસ્થામાં વધુ સરળતા અને સુધારા માટે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં ટેક્સ ચોરી તથા ફોજદારી કાર્યવાહી સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. ખાસ કરીને GST અધિકારીઓની ધરપકડ કરવાની સત્તા અંગેના પ્રસ્તાવનો ગુજરાત સહિત કેટલાક રાજ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, GSTમાં બોગસ બિલિંગ અને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને ગેરરીતિ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સત્તા યથાવત રાખવાની માગ કરવામાં આવી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો દ્વારા પણ આ મુદ્દે વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ફોજદારી કાર્યવાહીની મર્યાદા રૂ.5 કરોડ કરવાની દરખાસ્ત
GSTમાં ફોજદારી કાર્યવાહી માટેની હાલની રૂ.1 કરોડની મર્યાદા વધારીને રૂ.5 કરોડ કરવાની પણ દરખાસ્ત છે. આ ફેરફારથી નાના અને સામાન્ય કરવેરા વિવાદોને ફોજદારી કાર્યવાહીથી અલગ રાખી ગંભીર નાણાકીય ગેરરીતિઓ સામે વધુ કડક કાર્યવાહી કરવાનો માર્ગ સરળ બની શકે છે.
ITC અને રિફંડ પ્રક્રિયા સરળ બનાવવાની ચર્ચા
GST કાઉન્સિલની બેઠકમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ, રિફંડ પ્રક્રિયા અને GST રિટર્ન ફાઇલિંગને વધુ સરળ બનાવવા અંગે પણ ચર્ચા થવાની છે. વેપારીઓની કાર્યકારી મૂડી લાંબા સમય સુધી અટવાઈ ન રહે તે માટે રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવવાના ઉપાયો પર પણ વિચારણા થઈ શકે છે.
આ ઉપરાંત GST વ્યવસ્થાને વધુ ટેક્નોલોજી આધારિત બનાવવાની અને માનવીય હસ્તક્ષેપ ઘટાડવાની દિશામાં પણ સુધારા અંગે ચર્ચા થવાની શક્યતા છે. GST લાગુ થયા બાદના વર્ષોમાં વધતા લિટિગેશનને ધ્યાનમાં રાખીને કરદાતાઓ માટે પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.










