ગાંધીનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરે યોજાનારી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની પરેડની કવાયત માટે દેશના વિવિધ રાજ્યોમાંથી ગાંધીનગર આવેલા સુરક્ષા દળોના જવાનોમાં મચ્છરજન્ય બીમારીના કેસ સામે આવ્યા છે. તાવ અને ડેંગ્યુ જેવા લક્ષણો બાદ 40થી વધુ જવાનોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન આસામના 26 વર્ષીય CRPF જવાનનું શંકાસ્પદ ડેંગ્યુના કારણે સારવાર દરમિયાન મોત થયું છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-27 અને 28માં આવેલા નિર્માણાધીન સરકારી આવાસમાં જવાનોના હંગામી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી અહીં રોકાયેલા કેટલાક જવાનોમાં તાવ સહિતના મચ્છરજન્ય રોગોના લક્ષણો જોવા મળતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પૈકી એક જવાનની તબિયત વધુ ગંભીર બનતાં તેને સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી
ઘટનાની જાણ થતાં CRPF અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. બીજી તરફ આરોગ્ય વિભાગ અને ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમે જવાનોના હંગામી આવાસ પરિસરની મુલાકાત લઈને મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા કામગીરી શરૂ કરી છે.
હંગામી આવાસ પરિસરમાં દવાનો છંટકાવ, મચ્છર નિયંત્રણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એકસાથે મોટી સંખ્યામાં જવાનો બીમાર પડતાં અને એક જવાનનું મોત થતાં સુરક્ષા દળોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.










