ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)ની વિવિધ પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરી છે. પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાયેલા 333 વિદ્યાર્થીઓ સામે સજાની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે સામૂહિક કોપીના કિસ્સામાં પાંચ કોલેજોને કુલ રૂ.8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
રાજકોટની અર્પિત કોલેજને સૌથી વધુ રૂ.3 લાખનો દંડ કરાયો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરની લક્ષ્મણસિંહ વાઘેલા કોલેજને રૂ.1 લાખ, જૂનાગઢની ધ્રુવી કોલેજને રૂ.1 લાખ, સુરતની માંડવી એપ્લિકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજને રૂ.2 લાખ અને કડીની વસુદેવ કોલેજને રૂ.1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પરીક્ષા પૂર્ણ થયા બાદ વિવિધ કેન્દ્રોના CCTV ફૂટેજની તપાસ દરમિયાન કેટલાક કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ એકબીજામાંથી કોપી કરતા હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન ફરજ પરના નિરીક્ષકો દ્વારા ગેરરીતિ અટકાવવા અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું પણ તપાસમાં જણાયું હતું.
સામૂહિક ગેરરીતિના કિસ્સામાં સંડોવાયેલા ચાર પરીક્ષા કેન્દ્રોની માન્યતા આગામી એક વર્ષ માટે રદ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સંબંધિત કોલેજોમાં GTUની પરીક્ષા યોજાશે નહીં અને વિદ્યાર્થીઓને અન્ય ફાળવાયેલા કેન્દ્રો પર પરીક્ષા આપવી પડશે.
વિદ્યાર્થીઓને આ નિર્ણયથી વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે GTUએ સંબંધિત કોલેજોને વાહનવ્યવસ્થાની જવાબદારી સોંપી છે. વિદ્યાર્થીઓને કોલેજથી પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવા અને પરીક્ષા બાદ પરત લાવવાનો સંપૂર્ણ ખર્ચ પણ કોલેજ સંચાલકોએ જ ભોગવવાનો રહેશે.
GTUએ CCTV ફૂટેજના આધારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર વ્યક્તિગત વિદ્યાર્થીની ગેરરીતિમાં વિદ્યાર્થી સામે કાર્યવાહી થાય છે, પરંતુ સામૂહિક કોપી અને નિરીક્ષકોની બેદરકારી સામે સમગ્ર પરીક્ષા કેન્દ્રની જવાબદારી નક્કી કરવામાં આવે છે.










